Gujarat

ઘ-૦ પાસે કારની અડફેટે બાઈક સવાર ફૂડ ડિલિવરી બોયનું મોત

By GS TEAM
2 Oct 20252 mins read
ઘ-૦ પાસે કારની અડફેટે બાઈક સવાર ફૂડ ડિલિવરી બોયનું મોત

ગાંધીનગરના માર્ગો ઉપર વધતા અકસ્માતો

દાહોદનો યુવાન ગાંધીનગરમાં રહીને કામ કરતો હતો ઃ કારચાલક સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ઘ-૦ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા ફૂડ ડિલિવરી બોયના બાઈકને પૂર ઝડપે જઈ રહેલી કારે ટક્કર મારતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો પરંતુ બ્રેઇન હેમરેજને કારણે મોત થયું હતું. જે સંદર્ભે હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે પૂર ઝડપે જઈ રહેલી કારની અડફેટે બાઈક સવાર ફૂડ ડિલિવરી બોયનું મોત થયું છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દાહોદ જિલ્લાના નીંદકા પૂર્વ ગામના રહેવાસી રમેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર કિરણ ગાંધીનગરના સેક્ટર ૧૫માં રહીને ઝોમેટો ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરતો હતો તે પોતાનું બાઈક લઈને સરગાસણ ચાર રસ્તાથી ચ-૦ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ જ સમયે, રિલાયન્સ સર્કલ તરફથી આવી રહેલી કાળા કલરની થારના ચાલકે તેની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કિરણના મોટરસાયકલને ટક્કર મારી હતી. કિરણને અકસ્માત બાદ શરીરે વધતી ઓછી તથા માથાના અંદરના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. કિરણના મિત્ર યુવરાજ મછાર દ્વારા ફોન કરીને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, જેમાં કિરણને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હોવાથી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ગંભીર ઇજાને કારણે તેમના દીકરા કિરણનું મોત નીપજ્યું હતું. હાલ આ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.