મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો

- ખેડા જિલ્લાના ધામક, પ્રવાસન સ્થળો પર આરોગ્યલક્ષી મેગા ડ્રાઇવ
- ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના અભાવ બદલ 9 દુકાનોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો
નડિયાદ : ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના મુખ્ય ધામક અને પ્રવાસન સ્થળોની આસપાસ આવેલી ફૂડ કોર્ટ અને નાસ્તા-ભોજનની દુકાનોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો નાશ કરવા સાથે સ્વચ્છતાના અભાવ બદલ દુકાનદારોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ મેગા ડ્રાઇવના ભાગરૂપે મહેમદાવાદ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની ફૂડ કોર્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન ૨૫થી વધુ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા અને આશરે ૨૫થી ૩૦ કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરના ગોમતીઘાટ આસપાસ આવેલી ખાણીપીણીની હોટલોમાં પણ ડ્રાઇવ યોજવામાં આવી હતી. અહીં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા ખાદ્ય સામગ્રીનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા અનુસંધાને સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કપડવંજ તાલુકામાં પણ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં આ ડ્રાઇવ હેઠળ કુલ ૨૨ દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૯ દુકાનોમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના અભાવ બદલ ૯ દુકાનોને નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.

