Gujarat

સુપ્રિમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશન રખડતા કૂતરાંને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરશે

By GS TEAM
12 Aug 20252 mins read
સુપ્રિમ કોર્ટના આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશન રખડતા કૂતરાંને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરશે

 અમદાવાદ,12 ઓગસ્ટ,મંગળવાર, 2025

સુપ્રિમ કોર્ટે આઠ અઠવાડીયામાં દિલ્હી અને એન.સી.આર.માં રખડતા કૂતરાંઓને શેલ્ટર હોમમા મોકલવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે અમદાવાદ કોર્પોરેશન પણ રખડતા કૂતરાંના ત્રાસને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરશે. આ અંગેની ગાઈડલાઈન ટૂંક સમયમાં તૈયાર કરી લેવાશે.પાંચ વર્ષમાં રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવા પાછળ રુપિયા ૧૨ કરોડથી વધુનો ખર્ચ કરાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરા પકડી અને તેનુ ખસીકરણ કરવાની કામગીરી વિવિધ એજન્સીઓને સોંપી છે. વર્ષ-૨૦૨૧-૨૨થી વર્ષ-૨૦૨૫-૨૬ સુધીમા ૧.૩૩ લાખ રખડતા કૂતરાંને પકડી તેનુ ખસીકરણ કરવા પાછળ રુપિયા ૧૨.૭૦ લાખથી વધુની રકમનો ખર્ચ  કોર્પોરેશને કર્યો છે.સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામા આવેલા આદેશ પછી રખડતા કૂતરાઓને પકડી શેલ્ટરહોમમાં મોકલવા માટે  જરૃરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવુ પડે એમ છે. શહેરમાં રખડતા ઢોરના ત્રાસને અંકુશમાં લેવા વર્ષ-૨૦૨૩થી કોર્પોરેશને પોલીસી અમલમાં મુકી છે. કોર્પોરેશન દ્વારા દાણીલીમડા  ઉપરાંત બાકરોલ ખાતે રખડતા ઢોર પકડીને રાખવામા આવે છે. આ પરિસ્થિતિમાં રખડતા ઢોરની સાથે રખડતા કૂતરાંઓને રાખવા શેલ્ટર હોમ બનાવવા વિચારણા શરૃ કરવામા આવી છે.

રખડતા કૂતરાંના ખસીકરણ પાછળ પાંચ વર્ષમાં થયેલ ખર્ચ

વર્ષ    કૂતરાંની સંખ્યા ખર્ચ(કરોડમાં)

૨૧-૨૨   ૩૦૩૬૦             ૨.૭૭

૨૨-૨૩  ૪૬૪૭૧              ૪.૪૩

૨૩-૨૪  ૪૦૨૦૬              ૩.૯૨

૨૫-૨૬   ૧૬૫૮               ૧.૬૧

દસ દિવસમાં માત્ર ૭૯ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી-૨૦૨૫થી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા માટે પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલીસીનો અમલ શરુ કરવામા આવ્યો છે.હાલ પ્રતિ કૂતરાં દીઠ રૃપિયા એક હજાર રજિસ્ટ્રેશન ફી ભરવાની થાય છે.આશ્ચર્યજનક રીતે ૧ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ -૨૫ સુધીમાં માત્ર ૭૯ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન તેના માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.૧ જાન્યુઆરીથી અત્યારસુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ૧૮૩૫૩ પાલતુ કૂતરાંઓનુ રજિસ્ટ્રેશન ૧૬૧૪૭ માલિકો દ્વારા કરાવવામા આવ્યુ છે.

દાણીલીમડા ખાતે કૂતરાઓના અંતિમ સંસ્કાર માટે સ્મશાન બનાવાશે

શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા કૂતરાંથી લઈ પાલતુ કૂતરાંઓના મોત થતા હોય છે.કૂતરાંઓના મોત પછી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય એ માટે દાણીલીમડા ખાતે આવેલા  કોર્પોરેશનના ઢોરના ડબા ખાતે સ્મશાન બનાવવા અંગે કોર્પોરેશને ટેન્ડર પ્રક્રીયા શરુ કરી છે.