શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે ચાર દરવાજા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાશે
માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા : બહુમાળી ઇમારતો પર પોલીસ પોઇન્ટ ગોઠવાયા
ડ્રોનથી સતત ચાંપતી નજર રાખવામાં આવશે
વડોદરા,આવતીકાલે જૂનીગઢી વિસ્તારના ગણેશજીની મૂર્તિની વિસર્જન યાત્રા નીકળનાર છે. ગણેશોત્સવ પહેલા જ શાંતિ ડહોળવાના થયેલા પ્રયાસના કારણે પોલીસ વધુ સતર્ક છે. આવતીકાલે સાંજે નીકળનારી વિસર્જન યાત્રાના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આજે સાંજે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા માથાભારે તત્વો અને અગાઉ કોમી તોફાનોમાં સંડોવાયેલા લોકોને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ૧૦ ને ઝડપી પાડવામાં આવ્યા છે. જેના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ છે. આવતીકાલે નીકળનારી જૂનીગઢી વિસ્તારની વિસર્જન યાત્રાના પગલે પોલીસે દ્વારા ડીપ ધાબા પોઇન્ટ મૂકવામાં આવ્યા છે. બહુમાળી ઇમારતો પરથી પણ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવશે. તદુપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ડ પર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પાણીગેટથી માંડવી વચ્ચે૧૮ ડિપ અને હાઇરાઇઝ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. લહેરીપુરા દરવાજા સુધી કુલ ૨૬પોઇન્ટ ઉભા કરાયા છે.સંવેદનશીલ વિસ્તારોને બપોર પછી પતરાની આડશથી બંધ કરી દેવામાં આવશે. તેમજ બપોર પછી ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે.
૧૨ ડી.સી.પી., ૨૩ એ.સી.પી. અને ૧૦૯ પી.આઇ. બંદોબસ્તમાં હાજર રહેશે
વડોદરા,
પોલીસ બંદોબસ્તમાં આર.એ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ.ની મળી કુલ ૯ ટીમ જોડાશે. આ ઉપરાંત ૧૨ ડી.સી.પી., ૨૩ એ.સી.પી., ૧૦૯ પી.આઇ., ૧૫૦ પી.એસ.આઇ., ૨૭૫૧ પોલીસ જવાનો, ૧૫૦૦ હોમગાર્ડ જવાનો જોડાશે. આ ઉપરાંત ૨,૪૫૦ સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. તેમજ ૭૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ સ્ટાફ સજ્જ રહેશે. આ ઉપરાંત ૮ડ્રોનથી વિસર્જન યાત્રાના રૃટ પર સતત નજર રાખવામાં આવશે.