સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ તેમજ વઢવાણ મેળાના મેદાનમાં લોકમેળો યોજાશે
મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ
૧૩થી ૧૭ ઓગષ્ટ સુધી લોકમેળો યોજાશે ઃ મેળાના મેદાનની જગ્યાએ આર્ટ્સ કોલેજમાં મેળાનું આયોજન કરાતા લોકોને મેળો માણવામાં મુશ્કેલી નહીં પડે
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ૧૩થી ૧૭ ઓગષ્ટ સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. વર્ષોથી સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં મેળાના મેદાન ખાતે યોજાતો લોકમેળો ચાલુ વર્ષે શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે જ્યારે વઢવાણ ખાતે યોજાતો લોકમેળો રાબેતા મુજબ વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાશે. આ બંને લોકમેળાને ધ્યાને લઈ સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાનાર મેળામાં ચાલુ વર્ષે રાઈડસમાં વધારો કરીને ૨૩ મોટી રાઈડસ તેમજ ખાણી-પીણીના સ્ટોલમાં વધારો કરીને કુલ ૩૨ ફુડ સ્ટોલ અને રમકડાના સ્ટોલમાં પણ વધારો કરીને ૯૪, સાંસ્કૃતિ કાર્યક્રમ માટે અલગથી સ્ટેજ અને મનોરંજનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત ૩ સરકારી વિભાગના સ્ટોલ, ૨ વાચ ટાવર અને ૨ સ્થાનિક જગ્યા ઉપરથી નિરીક્ષણની વ્યવસ્થા, ૪ સેનિટેશન બ્લોક, ૪ ઘોડીયાઘર સહિત સેલ્ફી પોઈન્ટ, મહાનગરપાલિકાની ઓફિસ, સીસીટીવી કંટ્રોલરૃમ, પોલીસ વિભાગનો સ્ટોલ અને ઈલેક્ટ્રીક સ્ટોલ સહિતની વ્યવસ્થા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં લોકમેળો ૧૪ હજાર સ્ક્વેર ફુટ જગ્યામાં યોજાતો હતો પરંતુ ચાલુ વર્ષે આર્ટ્સ કોલેજમાં યોજાનાર મેળો અંદાજે ૩૦ હજાર સ્ક્વેર ફુટ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં ૧૨ મોટી રાઈડ્સ, ૧૪ નાના બાળકો માટેની રાઈડ્સ(હાથ વડે ચલાવવાની), ૯ આઈસ્ક્રીમ સ્ટોલ, ૮૦ અન્ય સ્ટોલ અને ૧૦ લારી વાળા વેપારી સાથે-સાથે સેલ્ફી પોઈન્ટ, ૨ વાચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ૩૦મી જુલાઈએ હરરાજી પ્રક્રિયા હાથ ધરાશે
બંને લોકમેળાના ટેન્ડર તા.૩૦ જુલાઈના રોજ બપોરે ૩-૩૦ કલાકે ખોલવામાં આવશે, સાંજે ૪-૩૦ કલાકે મનપા કચેરીના ટાઉનહોલ ખાતે ટેન્ડર ભરનાર લોકો વચ્ચે હરરાજી પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે બન્ને મેળાના મેદાન માટે મનપા તંત્ર દ્વારા મેદાન દીઠ રૃા.૬૧ લાખ અપસેટ કિંમત નક્કી કરવામાં આવી છે.
લોકમેળાનું સ્થાન બદલાવતા મેળારસિકોમાં નારાજગી
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાન ખાતે વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજાતો હતો. આ મેળામાં દુરદુરથી મેળા રસીકો મેળો માણવા તેમજ ધંધાર્થીઓ અલગ-અલગ ધંધા અને રોજગારી માટે આવતા હતા પરંતુ શહેરથી થોડે દુર અલગ જગ્યાએ મનપા તંત્ર દ્વારા સૌપ્રથમ વખત મેળાનું આયોજન હાથ ધરતા મેળારસીકો સહિત ધંધાર્થીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે.