વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે અમાસે લોકમેળો-પાલકીયાત્રા
700 વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયા હોવાની લોકવાયકા
માંડલ - માંડલ તાલુકાના વરમોર ગામના સીમમાં આવેલા કોટેશ્વર મહાદેવનું મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ એટલે કે, શ્રાવણ વદ અમાસ તા.૨૩/૦૮/૨૦૨૫ ને શનિવારના રોજના દિને લોકમેળો અને પાલખી યાત્રા નિકળશે. મહાદેવજીની પાલકીયાત્રા મંદિરેથી વરમોર ગામમાં જશે તેમજ યજ્ઞા પણ યોજવામાં આવશે.
આ કોટેશ્વર દાદાના દર્શન યુગોયુગથી થઈ રહ્યાં છે જેથી યુગાન્ધર કોટેશ્વર દાદા તરીકે પણ વિસ્તારમાં પ્રચલિત છે. ૭૦૦ વર્ષ પહેલાં અહીં ભગવાન ભોળાનાથ સાક્ષાત પ્રગટ થયા હોવાની લોકવાયકા પ્રર્ર્વત્તે છે. આ ગામ પહેલાં વીસાવડી ગામ તરીકે ઓળખાતું હતું અને અહીં વીસાવડી માતાજીનું પણ મંદિર આવેલ છે સમય જતાં વીસાવડી ગામે આજે વરમોર તરીકે જાણીતું છે. મંદિરની બાજુમાં એક પાતાળ કૂવો આવેલો છે જેને પખાણાંનો કૂવો કહેવાય છે. લોકમાન્યતા અનુસાર આ કૂવો ભગવાન ભોળાનાથ પ્રગટ થયાં ત્યારથી આવેલો છે અને તેના તળ છેક પાતાળ સુધી નીકળે છે. આ કૂવાએ ઘણાં વર્ષોે પહેલાં દુષ્કાળની પરિસ્થિતિમાં આજુબાજુના દસ ગામોને મીઠું પાણી પુરું પાડેલું હતું. આ કુવામાં ગ્રામજનો કહી રહ્યાં છે કે ક્યારેય પાણી ખૂટયું નથી અને આજે પણ સ્વચ્છ અને મીઠું ટોપરા જેવું પાણી લોકો પીવે છે. આજે માંડલ તાલુકાની ભવ્યતા ધરાવતું એવું આ યશ,કિર્તી અને શોભા આપતું કોટેશ્વર દાદાનું કિર્તીમાન મંદિર ખેતરમાં ટેકરી ઉપર ઉભું છે.