Get The App

SG Highway પર ફ્લાયઓવરની કામગીરીને લીધે ભારે ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
SG Highway પર ફ્લાયઓવરની કામગીરીને લીધે ભારે ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત 1 - image


Traffic Jam on SG Highway : એસ.જી. હાઇવે પર નિર્માણાધીન ફ્લાયઓવરના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો અંદાજે 1.2 કિલોમીટરનો રોડ છેલ્લા છ મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકોને 2 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે, જેનાથી સમય અને ઈંધણનો વ્યય થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ ખાસ કરીને સવારે 9:30 થી 11:30 દરમિયાન, જ્યારે ઓફિસ જવાનો સમય હોય છે, ત્યારે વધુ વણસે છે.

ટ્રાફિકની સમસ્યા અને પોલીસની નિષ્ક્રિયતા

રોડ બંધ હોવાના કારણે વાહનચાલકો મનફાવે તેમ આડેધડ વાહનો ચલાવીને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જી રહ્યા છે. પીક અવર્સમાં ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક પોલીસની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળે છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રાફિક પોલીસ ફક્ત VVIP નેતાઓની મુલાકાત દરમિયાન જ સક્રિય બને છે, જ્યારે સામાન્ય નાગરિકોને ટ્રાફિકમાં ફસાયેલા જોઈને પણ તેઓ નિષ્ક્રિય રહે છે. લોકોના મતે પોલીસનું ધ્યાન માત્ર VVIPs ને ટ્રાફિક ન નડે તે સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે, જ્યારે સામાન્ય પ્રજાની મુશ્કેલીઓ પ્રત્યે તેઓ બેદરકાર છે.
SG Highway પર ફ્લાયઓવરની કામગીરીને લીધે ભારે ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત 2 - image

પ્રજાની પરેશાની અને તંત્રની ઉદાસીનતા

ટ્રાફિકમાં કલાકો સુધી ફસાઈ રહેવાથી લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તંત્ર દ્વારા માત્ર ડાયવર્ઝન માટેના બોર્ડ લગાવીને પોતાની ફરજ પૂરી કરી દેવામાં આવી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાપન શૂન્ય છે. આ પરિસ્થિતિમાં સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે ટ્રાફિક સંચાલન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે, જેથી વાહનચાલકોને પડતી હાલાકીનો અંત આવે.

કયો રસ્તો રહેશે બંધ?

સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઇવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.

SG Highway પર ફ્લાયઓવરની કામગીરીને લીધે ભારે ટ્રાફિક જામ, તંત્ર VVIPની સેવામાં વ્યસ્ત, પ્રજા ત્રસ્ત 3 - image

વાહનચાલકો માટે વૈકલ્પિક રોડ

સરખેજ, સાણંદ તરફથી આવતાં વાહનચાલકોએ વાયએમસીએ ચાર રસ્તાથી ડાબે વળી ભગવાન સર્કલ અને ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએ વળી કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઇવે પર નીકળવાનું રહેશે.

પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા વાહનચાલકને બે વૈકલ્પિક રોડ મળશે

પ્રહલાદનગરથી કર્ણાવતી જંક્શન જવા બે વૈકલ્પિક રૂટ મળશે. પહેલો પ્રહલાદનગરથી ડાબે વળી વાયએમસીએ અને ત્યાંથી બાજુમાં દર્શાવેલો અંદરનો રોડ લઈ કર્ણાવતી ક્લબ જઈ શકાશે. બીજા વિકલ્પમાં પ્રહલાદનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળાંક લઈ સર્વિસ રોડ પર કર્ણાવતી જંક્શન સુધી જવાનું રહેશે.


Tags :