વડોદરા,વડોદરા શહેરમાં પોલીસની ઘોંસ વધતા બૂટલેગરો વડોદરા જિલ્લામાં સક્રિય થયા છે. નાના મોટા દારૃ પીધેલાના કેસ કરતી જિલ્લા પોલીસને ૧૭.૭૨ લાખનો દારૃ દેખાયો જ નહતો. જેના કારણે જિલ્લા પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત થઇ રહી છે. દારૃના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે. વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડીયારોડ પર આનંદનગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારીયાએ મધ્યપ્રદેશથી મગાવેલો ૧૭.૭૨ લાખનો વિદેશી દારૃ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો હતો.
સ્થળ પરથી દારૃનો ધંધો કરતા ભાગીદારો તેમજ અન્ય આરોપીઓ મળી મળી કુલ ૯ ઝડપાયા હતા. જ્યારે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ ૧૧ને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ ગુનામાં પકડાયેલા બૂટલેગરો વિનોદ અને કરણ સહિતના આરોપીઓને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી પોલીસે ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ અગાઉ કેટલી વખત દારૃ મગાવી કોને કોને આપ્યો હતો અને કેટલા સમયથી સપ્લાય કરતા હતા તેની તપાસ પોલીસે શરૃ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં વાઘોડિયા પોલીસના કહેવાતા વહીવટદારની પણ ભૂમિકાની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેલ તેમજ ડિલિટ કરેલા ડેટા રિકવર કરવાની કવાયત પોલીસે હાથ ધરી છે.


