Get The App

દ્વારકામાં આજે ફૂલડોલઃ ઠાકોરજી ચાંદીની પિચકારીમાં કેસુડા- કેસર જળથી રંગે રમશે

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
દ્વારકામાં આજે ફૂલડોલઃ ઠાકોરજી ચાંદીની પિચકારીમાં કેસુડા- કેસર જળથી રંગે રમશે 1 - image

યાત્રાધામમાં અપાર ઉત્સાહ, શ્રીજી સંગ રંગે રંગાવા ભક્તોનું ઘોડાપૂર  : અબિલ-ગુલાલની છોળોથી મંદિર પરિસર રંગે રંગાશેઃ ધાણી-દાળિયા, ખજૂર, સૂકો મેવો, મગ-ચોખા, મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે

દ્વારકા, : દ્વારકાના દ્વારકાધીશજી મંદિરમાં સામાન્ય રીતે ફાગણ વદ એકમના રોજ ફૂલડોલ ઉત્સવ મનાવાય છે. પરંતુ આ વખતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પૂણમાના દિવસે હોવાથી તા.ત્રીજી માર્ચે જગતમંદિરમાં ધામક પરંપરા અનુસાર ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.  લાખો શ્રધ્ધાળુઓ, પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવવા દ્વારકા આવી ચુક્યા છે. આજે  ફાગણી પૂનમના દિવસે ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ હોઈ ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. રાત્રે ગોમતી ઘાટ  પર હોળી પ્રજ્જવલિત કરાઇ હતી.

આજે  સવારે મંગળા આરતીથી રાત્રીના શયન આરતી સુધી શ્રીજીના દર્શન માટે જગત મંદિરે ભાવિકોનુ ઘોડાપૂર જોવા મળ્યું હતું. વારદાર પુજારી દ્વારા ઠાકોરજીને વિશેષ શણગાર કરાયા હતા. સાંજે દ્વારકામાં પરંપરાગત રીતે ગોમતી ઘાટ પાસે હોળી પાગટય બાદ તેમાંથી જયોત લઇ જઈ શહેરના અન્ય મુખ્ય ચોકમાં હોળી પ્રજવલિત કરાઇ હતી.

મંગળવારે જગત મંદિરે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. સવારથી જ જગતમંદિરે ભાવિકોનું ધોડાપૂર ઉમટી પડશે. મંગલા આરતી સવારે 5 વાગ્યે ઉજવાશે. અનોસર (મંદિર બંધ) બપોરે 1કલાકે થશે. ફુલડોલ ઉત્સવ આરતી બપોરે બે વાગ્યે થશે.

ફૂલડોલ ઉત્સવ નિમિત્તે શ્રીજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. તેમા નિત્યક્રમના તમામ પ્રકારનાં વ્યંજનો સાથે વિશેષ ધાણી-દાળિયા, ખજુર, સૂકોમેવો, મગ,-ચોખા, તથા મગજના લાડુ અને ફાફડાનો વિશેષ ભોગ ધરાશે. ત્યારબાદ ફૂલડોલ ઉત્સવ આરતી કરાશે. ઉત્સવ આરતી દરમિયાન ફરીથી ઠાકોરજીને હસ્તમાં રંગોની પોટલી ધરાવાશે તેમજ ચાંદીની પિચકારીમાં કેસુડાનું, કેસરનું પાણી ભરી ઠાકોરજીને રંગે રમાડાશે તથા ઠાકોરજીને ધરાવેલ રંગોની પોટલીમાંથી અને પીચકારીથી ભાવિકોને રંગે રમાડાશે. દ્વારકાધીશજીના જય જયકાર વચ્ચે ભાવિકો અબિલ, ગુલાલથી રંગે રમશે. સમગ્ર મંદિર પરિસરમાં અબિલ-ગુલાલની છોળો ઉડશે અને ભાવિકો શ્રીજી સંગ ભાવભેર ફૂલડોલ ઉત્સવ ઉજવશે.