આણંદના 5 થી વધુ ગામમાં મહી નદીના પૂરના પાણી ઘૂસ્યા

- કડાણા અને પાનમ ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું
- ગંભીરામાં નદી કાંઠાના બેટમાં રહેતા 12 લોકો અને પશુઓનું સ્થળાંતર : 4 તાલુકાના 26 ગામોને તકેદારી રાખવા સૂચના
આંકલાવના મામલતદાર એસએસ સેંધવે જણાવ્યું હતું કે, મહી નદીમાં ૫ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. હજુ પણ વધુ પાણી છોડવાની સંભાવનાઓ છે. ત્યારે મામલતદાર સહિતની ટીમ દ્વારા નદી કિનારાના ગામોમાં જઈને ગ્રામજનોને સાયરન વગાડીને તેમજ રૂબરૂ એકત્ર કરીને નદી કિનારે ના જવા તથા પશુઓને નદી કિનારે ન લઈ જવા તાકીદ કરાઈ હતી. તેમજ ઉમેટા, ગંભીરા, કોઠીયાખાડ, નવાખલ, ભાણપુરા સહિતના ગામોના નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા. સાવચેતીના પગલાના ભાગરૂપે ગંભીરા નદી કાંઠાના બેટમાં રહેતા ૧૨ જેટલા કુટુંબના વ્યક્તિઓ અને તેમના પશુઓનું સ્થળાંતર કરાવીને ગંભીરા ગામમાં વસવાટ કરાવવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા કલેકટરે ગામોની મુલાકાત લઈ પૂરના સમયે હોનારત ના સર્જાય તે માટે તકેદારીના પગલાં લેવાયા હતા. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી અને સરપંચની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગામમાં સાયરન વગાડીને ગ્રામજનોને ભેગા કરીને નદી કાંઠે ના જવા માટે તાકીદ કરી હતી.
આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮, આણંદના ૪, ઉમરેઠના બે અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
આણંદ જિલ્લાના કયા 26 ગામોને તાકીદ કરાઈ?
બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર, વાલવોડ જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા છે. આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવવાળી, રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા,ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ- ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી વાંટા, ગંભીરા જેવા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરાયા છે.









