Gujarat

ધંધુકાની ભાદર નદીમાં ઘોડાપૂર, અડવાળમાં છત પડતા વૃદ્ધાનું મોત

By GS TEAM
19 Jun 20252 mins read
ધંધુકાની ભાદર નદીમાં ઘોડાપૂર, અડવાળમાં છત પડતા વૃદ્ધાનું મોત

- નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં અનેક પરિવારોને રસ્તા પર આવવાની નોબત

- લીંમડી 3 રસ્તા, અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર થંભ્યો

ધંધુકા : ધંધુકા પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાડલા ડેમના દરવાજા ખોલવામાં આવતા ધંધુકાની ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના કારણે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અડવાળ ગામમાં મકાનની છત તૂટી પડતા વૃદ્ધાનું કરૂણ મોત થયું હતું.

ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે ભાડલા ડેમની સપાટી ૭૦ ટકા ઉપર જતાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના પગલે નદી કાંઠાના વાગડ, મોરસિયા, ગુંજાર, કોટડા, રંગપુર અને અડવાળ ગામને એલર્ટ આપવામાં આવ્યું હતું. નદી કાંઠે વસરતા લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી હતી. ધંધુકા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા સ્મશાન પાસે, પ્લોટ વિસ્તાર, ગુલિસ્તાન સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. લીંમડી ત્રણ રસ્તા-અમદાવાદ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર થોભાવી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતાં આર એન્ડ બી વિભાગના અધિકારીઓ, મામલતદાર, પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જ્યારે અડવાળ ગામે રહેતા પાર્વતીબેન પનારા (ઉ.વ.૯૫) નામના વયોવૃદ્ધા રાત્રિના સમયે તેમના ઘરના બાજુમાં આવેલા કાચા ઢાળિયામાં સૂતા હતા. તે સમયે અચાનક છત તૂટીને તેમના પર પડતા ગંભીર ઈજા થવાથી પાર્વતીબેન પનારાનું મૃત્યુ થયું હતું.

ત્રાડિયા-બાજરડા માર્ગ બંધ, ખેતરોમાં પાણી ભરાયા

ધંધુકા તાલુકાના ત્રાડિયા-બાજરડા રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો હતો. જેના કારણે ધંધુકા સાથેનો સંપૂર્ણ તૂટી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તંત્ર તરફથી ગ્રામ્ય વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેની વચ્ચે ખેતરોમાં પણ પાણી ભરાયેલા હોય, ખેડૂતોને નુકશાની વેઠવાનો વખત આવ્યાના વાવડ મળ્યાં છે.