Gujarat

ધ્રોલમાં ભાજપના ધારાસભ્યના પુત્રને ગરીબોને આપવાના ફલેટની ફાળવણી

By GS TEAM
30 Jun 20252 mins read
ધ્રોલમાં ભાજપના ધારાસભ્યના પુત્રને ગરીબોને આપવાના ફલેટની ફાળવણી

આવાસ યોજનાના ફલેટની ફાળવણીમાં નિયમોનો ઉલાળિયો : 50 એકર જમીન ધરાવતી કાલાવડ બેઠકના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફલેટ અપાતા સુધરાઈના શાસકો શંકાના દાયરામાં

જામનગર, : સામાન્યરીતે આવાસ યોજનાના ફલેટની ફાળવણી જરૂરિયાતમંદ પરિવારોને થતી હોય છે. પરંતુ તાજેતરમાં જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલીકાએ ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રને સરકારી ફલેટની ફાળવણી કરતા આ મુદત રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો છે. ફલેટની ફાળવણીના મુદ્દે ધારાસભ્યે લગ્ન બાદ પુત્ર અલગ રહેતો હોવાથી તેને મકાનની જરૂર હોવાથી અરજી કરતા ફલેટની ફાળવણી કરવામાં આવી હોવાની કેફિયત રજૂ કરી છે. પરંતુ ગરીબોને આપવાના ફલેટ 50 એકર જમીન ધરાવતા પિતાનો પુત્ર અલગ કાર ધરાવતો હોવા છતાં સીલેક્ટ કઈ રીતે થઈ શકે? તેવો સવાલ આગેવાનોમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે

ગુજરાતમાં ભાજપના એક પછી એક નેતાઓ ચર્ચા ના ચાકડે ચડતા રહ્યા છે. તાજેતરમાં એક મંત્રી ના કથિત મનરેગા કૌભાંડ નું પ્રકરણ શાંત થયું નથી, ત્યાં જ  વધુ એક ભાજપના નેતાનું ભોપાળુ પ્રકાશમાં આવ્યું છે. કાલાવડ બેઠક ના ભાજપ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના પુત્ર મોહિત ને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માં એક સરકારી ફલેટ ની ફાળવણી કરવામાં આવી છે. આ બાબત માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી માં પ્રકાશમાં આવતાં ચકચાર જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડના ભાજપ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા આશરે 50  વીઘા જમીન ધરાવે છે, ઉપરાંત પિતા અને પુત્ર અલગ અલગ કાર પણ ધરાવે છે. આવાસ યોજના  ના નિયમ મુજબ ફક્ત ગરીબો ને જ આવા ફ્લેટ ની  ફાળવણી થતી હોય છે. ત્યારે ધારાસભ્ય ના કહેવાતા કે ' ગરીબ '  પુત્ર ને સરકારી ફ્લેટ ની ફાળવણી થતાં ધ્રોલ નગરપાલિકાના શાસકો ઉપર પણ શંકા સેવાઈ રહી  છે.

આ બાબતે ધ્રોલ નગરપાલિકાના જવાબદાર કર્મચારીએ જણાવ્યું હતું કે મોહિત ચાવડા દ્વારા ફ્લેટ માટે અરજી કરવામાં આવી હતી. જેને નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવી હતી. પરંતુ નીતિ નિયમો અંગેના જવાબ આપવામાં તેઓ એ ગલ્લા તલ્લા કર્યા હતા.

જ્યારે આ બાબતે ધારાસભ્ય એ એવો ખુલાસો કર્યો હતો કે જ્યારે આ મકાનની ફાળવણી કરવામાં આવી, ત્યારે હું ધારાસભ્ય ન હતો. તેમ જ પુત્ર લગ્ન બાદ અલગ રહેતો હોવાથી તેને મકાનની જરૂર હોવાથી અરજી કરી હતી, અને તેમને મકાનની ફાળવણી કરવામાં આવી હતી.  આમ ધ્રોલ નગરપાલિકાએ ધારાસભ્યના પુત્ર પર વસાવેલા અનહદ પ્રેમ ને કારણે રાજકીય ચર્ચાએ ભારે જોર પકડયું છે. ત્યારે હવે આગામી સમયમાં આ બાબતે કોના ઉપર કેવા પગલાં લેવામાં આવે છે . એ તો આવનારો સમય બતાવશે.