Get The App

વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત

માસીએ શંકાસ્પદ મોત હોવાનો આક્ષેપ કરતા પોલીસે પી.એમ.કરાવ્યું ઃ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણવા મળશે

માતા, પિતાનું ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
વયોવૃદ્ધ દાદા, દાદી સાથે  રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત 1 - image

વડોદરા.માતા, પિતાના મોત પછી દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીને શરદી થઇ હોઇ તેના કાકાએ શરદીની સિરપ આપી હતી. ત્યારબાદ આજે સવારે તેનું મોત થતા બાળકીની માસીએ શંકાસ્પદ મોત થયાના આક્ષેપ કરતા  ગોરવા પોલીસે તપાસ  હાથ ધરી છે. 

ગોરવા  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇલોરાપાર્ક આત્મજ્યોતિ આશ્રમ પાસે કાનન ફ્લેટમાં રહેતા ૮૬ વર્ષના મનસુખભાઇ દેવજીભાઇ ઠક્કર અને તેમના પત્ની અંજુબેન નિવૃત્ત જીવન ગુજારે છે. મનસુખભાઇના પુત્ર હર્ષદભાઇ અને તેમના  પત્નીનું ત્રણ વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ તેમની એક દીકરી ધ્યાની (ઉં.વ.૫) દાદા, દાદી સાથે વડોદરામાં અને બીજી દીકરી માસી રૃપલબેન સાથે ખંભાતમાં રહેતી હતી. ધ્યાનીની તબિયત સારી નહીં હોવાના કારણે ગઇકાલે રાત્રે તેના કાકા શૈલેષ ઠક્કર (રહે. ઓમકારેશ્વર  રેસિડેન્સી, રામા કાકાની ડેરી  પાસે, છાણી જકાતનાકા) એ આપેલી કફ સિરપ પીવડાવી હતી. રાત્રે બાળકીની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી બીજી  હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. પરંતુ, બાળકીનું મોત થયું હતું. બાળકીની માસી  રૃપલબેને પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ધ્યાનીને જે દવા  પીવડાવી હતી. તે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપી હોઇ શંકાસ્પદ છે. તેના કારણે જ  તેનું મોત થયું છે. જેથી, ગોરવા  પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એન. લાઠિયાની સૂચના મુજબ, પી.એસ.આઇ.એમ.કે.વાળાએ  બાળકીના મૃતદેહનું ગોત્રી હોસ્પિટલમાં પેનલ પી.એમ.કરાવ્યંં છે.  પી. એમ.  નો ફાઇનલ રિપોર્ટ આવ્યા  પછી બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે.

પોલીસે સિરપની ચાર બોટલ એફ.એસ.એલ.માં મોકલી આપી

વડોદરા

આ કેસની તપાસ  કરતા પી.એસ.આઇ. એ જણાવ્યું છે કે, બાળકીના કાકા શૈલેષભાઇ મેડિકલ સ્ટોર ચલાવે છે.બાળકીને શરદી થઇ ગઇ હોવાથી તેમણે શરદી ખાંસીની ત્રણ ચાર સિરપ આપી હતી. જે પૈકી એક સિરપ ગઇકાલે રાત્રે દાદા, દાદીએ પૌત્રીને પીવડાવી હતી. પોલીસે સિરપની ચાર બોટલ કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપી છે. દાદા, દાદીને હાલમાં યાદ નથી કે, તેઓએ  રાત્રે કઇ દવા  પીવડાવી હતી.

બાળકીની છાતીમાં વધારે  પડતો કફ હતો 

વડોદરા

પોલીસનું કહેવું છે કે, પિડિયાટ્રિક ડોક્ટરનો પણ અભિપ્રાય લીધો છે. જે દવાઓ હતી, ત ે દવાઓ શરદી ખાંસીની જ છે. બાળકી છેલ્લા ચાર પાંચ દિવસથી બીમાર હતી. ડોક્ટરના પ્રાથમિક અભિપ્રાય મુજબ, બાળકીની છાતીમાં વધારે પડતો કફ જમા થઇ ગયો હતો. તેના કારણે જ મોત થયું હોવાની શક્યતા છે. તેમછતાંય વિશેરાનો  રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.