બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા

વડોદરાઃ શહેર પોલીસ દ્વારા જુદાજુદા રાજ્યોમાં લાંબાસમયથી આશરો લેતા હોય તેવા વોન્ટેડ ગુનેગારોને શોધવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન વધુ પાંચ આરોપી પકડાયા છે. જ્યારે,૨૪ વર્ષ પહેલાં ઠગાઇના એક કેસમાં વોન્ટેડ રેસકોર્સ હરિભક્તિ કોલોની વિસ્તારના એસએસ શ્રીધરણનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું છે.
ખોડિયારનગર વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા સોનાની ત્રણ ગીની ઉઠાવી ફરાર થઇ ગયા હતા.જે કેસમાં વોન્ટેડ સિદ્દીક ઉર્ફે રઝા જહાંગીર બેગ (ઇરાની કોલોની,સેંધવા,મધ્યપ્રદેશ) અને તેની નજીકમાં રહેતા જીતેશ ઉર્ફે પપ્પુ ઘનશ્યામ સોનીને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ટીમે ઝડપી પાડયા છે.
સયાજીગંજમાં મારામારીના બનેલા બનાવમાં ૧૩ વર્ષથી વોન્ટેડ દિનેશ ખીટકોલ ખટાણા અને માનસિંગ ખીટકોલ ખટાણા (આજનેડા,ભરતપુર,રાજસ્થાન)ને પણ પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે,સાયબર ફ્રોડના બનાવમાં વોન્ટેડ દુર્ગાપ્રસાદ રામદુલારે મિશ્રા(જીએન ભરવાડની ચાલ,દહીસર(ઇ), મુંબઇ)ને પણ પકડી લેવામાં આવ્યો છે.

