Vadodara : રખડતા શેરી કુતરાઓનો ચારે બાજુએ આતંક ફેલાયેલો છે, જોકે આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ દાખવ્યું છે, ત્યારે શહેરના ગોરવા સહયોગ વિસ્તારમાં શેરી કૂતરાના આતંકનો વિડિયો વાયરલ થયો છે. ચારથી પાંચ જેટલા શેરી કૂતરાઓએ વારે આતંક મચાવીને નાના બાળક પર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યાની વિગતો બહાર આવી છે.
ઉલ્લેખનીય છે કે ઠેક ઠેકાણે જાહેર અને આંતરિક રોડ-રસ્તા પર રખડતા શેરી કુતરાઓ પસાર થતા વાહનો પાછળ પુરપાટ દોડીને ભસે છે. પરિણામે કેટલીયવાર દ્વિચક્રી વાહન ચાલક ગભરાઈ જાય છે. પરિણામે નાના-મોટા અકસ્માતો સર્જાવા સહિત ક્યારેક જાનહાની પણ થતી હોય છે. જ્યારે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળનારા લોકો પાછળ પણ આવા રખડતા શેરી કુતરા ભસતા મોર્નિંગ વોકરોમાં ગભરાટ પણ ફેલાતો હોય છે. જોકે સલામતીના કારણોસર મોર્નિંગ વોકર્સ હવે હાથમાં લાકડી રાખતા પણ થયા છે. જ્યારે વહેલી સવારે શાળાએ જતા બાળકો પાછળ પણ આવા રખડતા શેરી કુતરા દોડતા બાળકોમાં ગભરાટ ફેલાઈ જાય છે.
દરમિયાન ગોરવા સહયોગ વિસ્તારમાં આવા રખડતા શેરી કુતરાઓનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. વિસ્તારમાંથી પસાર થતાં નાના બાળક પાછળ 4થી 5 જેટલા રખડતા શેરી કુતરાઓ ફરી વળ્યા હતા. પરિણામે બાળક ગભરાઈને ભાગવા જતા તમામ શેરી કુતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો.
આવું ભયાનક દ્રશ્ય જોઈને પસાર થતાં કાર ચાલકે પોતાનું વાહન રોડ વચ્ચે અટકાવીને શેરી કુતરાઓને ભગાડી લોહી લુહાણ થયેલા બાળકને બચાવ્યો હતો. આમ હવે પાલિકા તંત્ર શહેરમાં રખડતા શેરી કુતરાઓ બાબતે ચોક્કસ આયોજન કરે નાના બાળકો સહિત સૌ કોઈને બચાવે એ અત્યંત જરૂરી છે.


