Gujarat

સુઘડના ખેડૂતની રૃપિયા ૩૨.૬૬ કરોડની જમીન પાંચ શખ્સોએ હડપ કરી લીધી

By GS TEAM
21 Jun 20252 mins read
સુઘડના ખેડૂતની રૃપિયા ૩૨.૬૬ કરોડની જમીન પાંચ શખ્સોએ હડપ કરી લીધી

દિવાની દાવ અને વાંધા દુર કરી દેવાનો વિશ્વાસ આપી

લપેટવા માટે વૃદ્ધના પૌત્ર સાથે દિકરીનું સગપણ કર્યુને કામ પુરૃ થઇ જતાં તોડી નાંખ્યું  : સીઆઇડી ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૃ

ગાંધીનગર :  ગાંધીનગરના સુઘડ ગામના વયોવૃદ્ધ ખેડૂતના કબ્જામાં રહેલી રૃપિયા ૩૨.૬૬ કરોડની કિંમતની જમીન તેના પાંચ શખ્સોએ ઘસી નાંખતા સીઆઇડી ક્રાઇમ પોલીસે તપાસ શરૃ કરી છે. આરોપીઓએ આ જમીન સંબંધે ચાલતા દિવાની દાવા અને વાંધા દુર કરાવવાની લાલચ આપીને સહિઓ કરાવી લીધી હતી. વધુમાં વૃધ્ધને લપેટવા તેના પૌત્ર સાથે દિકરીનું સગપણ કર્ય હતુ. જોકે બદઇરાદો પાર પડી જતાં સગપણ તોડી પણ નાંખ્યુ હતું.

છેતરપિંડીના બનાવ સંબંધે સુઘડ ગામે ઠાકોરવાસમાં રહેતા ભીખાજી જેસંગજી ઠાકોર નામના ૭૫ વષય ખેડૂત વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરામાં રહેતા કલ્પેશજી નટવરજી ઠાકોર, અમદાવાદના લાંભા ગામે મોટા ઠાકોરવાસમાં રહેતા સુરેશજી નટવરજી ઠાકોર, મુળ હેબતપુરમાં ભરવાડવાસના રહેવાસી હાલ સોલા સિવિલ પાછળ રત્નસાગર બંગ્લોઝમાં રહેતા મુકેશભઆઇ રામજીભાઇ ભરવાડ, અમદાવાદના બાવળા તાલુકાના ભાયલા ગામના ભાનુભાઇ રઘુભાઇ ભરવાડ અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાલાજી વિલામાં રહેતા રાજુભાઇ નાગજીભાઇ રબારીના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૩ના મે મહિનામાં ભીખાજીના દિકરા મંગાજીના પુત્ર મનોજજી સાથે આરોપી કલ્પેશજીની દિકરીનું સગપણ કરવામાં આવ્યા બાદ સમયાંતરે આરોપીઓ દ્વારા વૃદ્ધ પાસેથી તેમની જમીન અને તેમાં થયેલા દિવાની દાવા અને પડેલા વાંધાઓની માહિતી મેળવી લેવામાં આવી હતી. બાદમાં આ જમીન ચોખ્ખી કરાવી દેવાની લાલચ આપીને ભીખાજીતથા લાગુ પડતા પરિવારજનોના અંગુઠા કોરા કાગળો પર લઇ લીધા હતાં. જુદી જુદી કચેરીઓમાં અરજી કરવાના બહાને પણ સાથે લઇ જવાની સાથે કોરા ચેક અને આરટીજીએસના ફોર્મ પર સહિઓ લઇને ખાતા પણ ખોલાવ્યા હતાં. અગાઉ આ જમીનનું વેચાણ થયેલુ હોવાથી સાત-બારના ઉતારામાં અન્ય ભારવાડ શખ્સોના નામ બોલતા હતાં. તેના વિવાદો ઉકેલવાના નામે ષડયંત્ર રચવામાં આવ્યુ હતું. આખરે વૃદ્ધના ખાતાઓમાં નાણા જમા કરાવી પરત ઉપાડી લઇને આરોપીઓએ પોત પ્રકાશ્યુ હતું. જમીન કે રૃપિયા કંઇ હાથમાં નહીં રહેતા વૃદ્ધે પૂછયુ ત્યારે આરોપીઓએ ધમકી આપવાની સાથે વૃદ્ધના પૌત્રનું ચારિત્ર સારૃ નહીં હોવાનો આક્ષેપ કરવા સાથે સગપણ પણ તોડી નાંખ્યુ હતું.