Get The App

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા

પોલીસે ફરિયાદોના આધારે અકસ્માત સર્જનાર ત્રણ વાહનચાલકોની શોધખોળ શરૂ કરી

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા 1 - image


ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાક દરમ્યાન માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરિયાદોના આધારે અકસ્માત સર્જનાર ત્રણ વાહનચાલકોની શોધખોળ હાથ ધરી હતી.

        ગઈકાલે સાંજે માંડવા મુલદ ટોલનાકાથી ભરૂચ તરફના નેશનલ હાઇવે નં. 48 ઉપર ટોલનાકા નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતક ભરૂચના ઝાડેશ્વરનો રહેવાસી હોય માંડવા મુલદ ટોલનાકા ખાતે નોકરી કરતો 21 વર્ષીય રિતેશ સોમાભાઈ પાટણવાડીયા હોવાનું બહાર આવ્યું હતું. રિતેશ ટોલનાકા ઉપરથી પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહનના પૈડા રિતેશના માથાના ભાગે ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તેની શોધખોળ શરૂ કરી હતી.
         બીજા બનાવમાં અંકલેશ્વરના નૌગામા ગામ ખાતે રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ સુભાષભાઈ વસાવા રક્ષાબંધન પર્વે એકટીવા લઈ પત્ની સાથે અભેટા ગામ ગયા હતા. પત્નીને અભેટા ગામ મૂકી ત્યારબાદ સાઢુભાઈ 25 વર્ષીય ધર્મેશભાઈ અભેસિંગ વસાવા (રહે - અંદાડા ગામ અંકલેશ્વર)ને લઈ પરત અંદાડાથી અભેટા ગામ તરફ જઈ રહ્યા હતા. તે વખતે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ અંકલેશ્વરથી હાંસોટ તરફના માર્ગ પર ધંતૂરીયા ગામના પાટીયા નજીક કાર સાથે તેઓનો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
         ત્રીજા કિસ્સામાં મૂળ બિહારના વતની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો 27 વર્ષીય નીરજ નંદજી પ્રસાદ રક્ષાબંધન પર્વે રજા હોવાથી આજે રાત્રે 1:30 વાગ્યે પોતાનું બાઈક લઇ ભરૂચ ખાતે પિતાના ઘરે જવા નીકળ્યો હતો. તે વખતે નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર પલ્સ હોટલની સામે એક ટ્રેલર કોઈપણ પ્રકારની આડાસ અથવા ઇન્ડિકેટર કે રિફ્લેકટર વગર માર્ગ ઉપર પાર્ક કર્યું હોય તેની પાછળ બાઈક સવાર નીરજભાઈ ઘુસી જતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ગડખોલ ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નીરજ કુમારને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ટ્રેલર નંબરના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
           અન્ય એક બનાવમાં ભરુચ રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 57 વર્ષીય મનોજભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રીના છૂટાછેડા થયા છે તથા તેઓને કોઈ સંતાન નથી. આજે સવારે તેઓ બાઈક લઇ સાયખા જીઆઇડીસી તેમની સાઈટ ઉપર જવા નીકળ્યા હતા. તે વખતે વિલાયત ગામથી વોરાસમની ગામ માર્ગની વચ્ચે મનોજભાઈની બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર પહોંચેલ 108 એમ્બ્યુલન્સના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે વાગરા હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :