પ્રતિબંધિત નશાકારક કફ સિરપનું વેચાણ કરતા પાંચ શખ્સ ઝડપાયા

બાવળા, ચાંગોદર અને સાણંદમાં પંથકમાં
અલગ અલગ ચાર દરોડામાં રૂ.૨૮,૩૯૧ની કફ સિરપ સહિત ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત : એક વોન્ટેડ
અમદાવાદ ગ્રામ્ય એસઓજી, બાવળા, ચાંગોદર અને સાણંદ પોલીસ મથકના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા નશાકારક કફ સિરપના વેચાણને લઇ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં બાવળામાં એસઓજી ટીમે કાવીઠા ગામના ગજેન્દ્રસિંહ વજુભાઈ રાઠોડને એક્ટિવામાં નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા ઝડપી પાડયો હતો. તેની પાસેથી રૂ.૭,૯૬૦ની ૪૦ કફ સિરપ બોટલ અને રૂ.૧૦,૦૦૦ ની એક્ટિવા સહિત કુલ રૂ.૧૭,૯૬૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં બાવળા પોલીસે રાકેશભાઈ કનુભાઈ ઠાકોર (ઉ.વ.૨૮,રહે. ઠાકોરવાસ, બાવળા)ને પોતાના મકાનમાં ગેરકાયદેસર કફ સિરપનો જથ્થો રાખી વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેની પાસેથી રૂ.૪,૪૧૧ની ૨૩ કફ સિરપ બોટલ અને રૂ.૧૦,૦૦૦નો મોબાઈલ સહિત કુલ રૂ.૧૪,૪૧૧નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ત્રીજા દરોડામાં ચાંગોદર પોલીસે સાણંદ તાલુકાના મટોડા ગામના ચમનભાઈ રાયાભાઈ વાઘેલા ચુનારા અને સુનિલભાઈ ચમનભાઈ વાઘેલા ચુનારાને પોતાના મકાનમાં નશાકારક કફ સિરપ રાખી વેચાણ કરતા પકડવામાં આવ્યા હતા. તેની પાસેથી રૂ.૭,૦૮૮ની કફ સિરપ બોટલ અને રૂ.૧૦,૦૦૦ના બે મોબાઈલ સહિત કુલ રૂ.૧૨,૨૯૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાથીજણ સર્કલના એક વોન્ટેડ શખ્સ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચોથા દરોડામાં સાણંદ જીઆઇડીસી પોલીસે બકરાણા ગામના હશુભાઈ ચંદુભાઈ કોળી પટેલને પોતાના મકાનમાં નશાકારક કફ સિરપની બોટલો રાખી વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેની પાસેથી રૂ.૮,૯૩૨ની ૫૮ કફ સિરપ બોટલ અને મોબાઈલ સહિત કુલ રૂ.૧૩,૯૩૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.









