Gujarat

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો

By GS TEAM
20 Nov 20251 min read
કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો

ઝપાઝપી દરમિયાન મહિલાનો સોનાનો ચેન પડી ગયો

પરિવાર સારવાર લઈ પરત આવતો હતો ત્યારે ફરી છરી વડે માર મારી ધમકી આપી

ભાવનગર: સુભાષનગરમાં ફુલના કુંડા તોડી નાખવા મામલે ઠપકો આપવા જતા પાંચ ઈસમોએ પરિવાર પર  ધોકા પાઇપ અને છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ઉમલાબેન જીગ્નેશભાઈ રાઠોડની બાજુના ફ્લેટમાં રવિ અને આકાશ રહેતા હોય અને ઘરની બહાર રાખેલ ફૂલ છોડના કુંડા ફોડી નાખતા હતા. જેથી ઉમલાબેન ઠપકો આપવા ગયા ત્યારે ઉમલાબેન તથા તેના બા ભાવનાબેન તેમજ ભાઈ રોહિતભાઈને મૂઢ માર માર્યો હતો. જેની સારવાર દવાખાને લઈ ઉમલાબેન અને પતિ જીગ્નેશભાઈ તથા ભાવનાબેન અને રોહિતભાઈ પરત આવતા હતા તેવામાં ભગવાનેશ્વર મંદિર પાસે  રોહન રાજુભાઈ પરમાર, રોહિત ઉર્ફે ભોટી રાજુભાઈ પરમાર, રોનક ઉર્ફે નાનુ રાજુભાઈ પરમાર, રવિ અને આકાશ ધસી આવ્યા હતા અને જીગ્નેશભાઈ પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ અને છરી વડે માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારી દરમિયાન મહિલાનો સોનાનો ચેન પડી ગયો હતો. આ બનાવ સંદર્ભે જીગ્નેશભાઈએ પાંચ શખ્સ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.