Get The App

અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત 1 - image


BRTS Bus Accident : અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા બળિયાકાકા ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી BRTS  બસે કાબૂ ગુમાવી ડિવાઈડર કૂદીને સામેથી આવતી રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. બુધવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે બનેલી આ ઘટનામાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર BRTS બસ બળિયાકાકા ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડી ગઈ હતી અને રેલિંગ તોડીને સામેની તરફથી આવી રહેલી રિક્ષા સાથે અથડાઈ હતી.

અકસ્માત એટલો ભયાવહ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને રિક્ષા ડ્રાઇવર સહિત પાંચ મુસાફરોને ઈજાઓ થઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી અને  108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના રખિયાલમાં મોડી રાત્રે BRTS બસ ડિવાઈડર કૂદી રીક્ષા સાથે અથડાઇ, પાંચ લોકો ઇજાગ્રસ્ત 2 - image

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મોટા અવાજ સાથે થયેલા અકસ્માતને કારણે ઘણા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પબ્લિક ટ્રાંસપોર્ટના વાહનચાલકો દ્વારા કરવામાં આવતા બેફામ ડ્રાઈવિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ટ્રાફિક પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. અકસ્માત યાંત્રિક ખામી કે ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. પૂછપરછ માટે હાલ BRTS બસના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજની તપાસ અને સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

Tags :