કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને કંડકટર સહિત પાંચને ઇજા
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં નિકાવા ગામ પાસે ગઈકાલે સાંજે માર્ગ પર ઉભેલા એક બોરવેલ ટ્રક ની પાછળ એસટી બસ ધડાકાભેર અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એસ.ટી. બસના કંડકટર અને એક દંપત્તિ સહિત પાંચ વ્યક્તિ ઘાયલ થયા હતા, અને તમામને કાલાવડ અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને કારણે એસટી બસની કેબીનનો ભૂકકો બોલી ગયો હતો, જ્યારે મુસાફરોમાં ભારેથી ચીસાચીસ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ- રાજકોટ રૂટની જીજે 18 ઝેડ.ટી. 1109 નંબરની એસટી બસ, કે જે ગઈકાલે સાંજે કાલાવડના બસ ડેપોથી ઉપડ્યા બાદ નિકાવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી, જે દરમિયાન એસટી બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે માર્ગ પર ઉભેલા એક બોરવેલના ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાઇ પડી હતી, અને અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બસના આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો, ઉપરાંત બસના અનેક કાચ તૂટ્યા હતા. સાથે સાથે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી, અને આસપાસના વિસ્તારના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતના બનાવમાં બસના કંડકટર ભાર્ગવભાઈ કિશોરભાઈ પાડલીયા, ઉપરાંત બસમાં મુસાફરી કરી રહેલા કાલાવડના વતની વિકાસચંદ્ર છોટાલાલ ભટ્ટ (ઉંમર વર્ષ ૬૪) અને તેમના પત્ની રેખાબેન (ઉંમર વર્ષ 60) ઉપરાંત મધુભાઈ ઠાકરશીભાઈ અઘેડા વગેરેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી. જે તમામને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સૌપ્રથમ કાલાવડ અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને નાની મોટી ઈજા થઈ હોવાના કારણે ટાંકા લેવા પડ્યા છે, અને તમામની સઘન સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્યના પી.એસ.આઇ સી.બી. રાંકજા તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને બેદરકારી પૂર્વક બસ ચલાવવા અંગે તેના ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.