સાબરમતી નદીમાં રીલ બનાવવા ગયેલા પાંચ મિત્રો ડૂબ્યા ઃ એકનું મોત

ગાંધીનગર નજીક પેથાપુરના ફતેપુરા પાસે
માટી ધસી પડતા પાણીમાં ડૂબવા લાગ્યા, ચાર બહાર આવી જતાં બચી ગયા ઃ નદીમાં નહીં જવાનો પ્રતિબંધ છતાં ઉલ્લંઘન
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પેથાપુર પાસે ફતેપુરા સાબરમતી નદીના કિનારે સેક્ટર-૨૯માં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે નદીમાં ગયા હતા અને તે સમયે અચાનક જ માટી ધસી પડતા આ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે ચારનો બચાવ થયો હતો.
ગાંધીનગર જિલ્લામાં નદી જળાશયો કે તળાવમાં નહીં જવા માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં તેની અમલવારી થતી નથી. તાજેતરમાં જ નાભોઈ ખાતે નદીમાં નાહવા પડેલા અમદાવાદના આઠ યુવાનો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેમ છતાં હજી પણ લોકો નદીમાં ફોટા કે રીલ બનાવવા માટે જઈ રહ્યા છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલી અમનપાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો ગઈકાલે પેથાપુરના ફતેપુરા પાસે સાબરમતી નદીમાં રીલ બનાવવા માટે ગયા હતા. નદીમાં જઈને ટેકરી ઉપર બેઠા હતા તે જ સમયે માટી ધસી પડતા આ મિત્રો નદીના પાણીમાં ડૂબ્યા હતા. જોકે ચાર મિત્રો જેમ તેમ કરીને પાણીમાંથી બહાર આવી ગયા હતા પરંતુ મોહમ્મદ નિજાબુદ્દીન શેખ નામનો યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના પગલાં મિત્રો દ્વારા તુરંત જ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો. જ્યાં ભારે જેમત બાદ નદીના પાણીમાંથી આ યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે મામલે પેથાપુર પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરવામાં આવ્યું છે. મૃતક યુવાને તાજેતરમાં જ ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ તો આ ઘટનાને પગલે વસાહત અને સેક્ટરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.








