જામવાળાની સીમમાં અગાઉનાં મનદુઃખમાં યુવાનની હત્યા
આંખમાં સ્પ્રે છાંટી પથ્થર માર્યા, સવારે લાશ મળી, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર, પોલીસની સમજાવટ પછી મામલો થાળે પડયો
આ અંગેની વધુ વિગત મુજબ ગીર ગઢડા તાલુકાના જામવાળા ઢોરા વિસ્તારમાં રહેતા મેહુલભાઈ હકુભાઈ વડવાતર અને તેના મિત્રો સાથે વાડીએ ભોજન પાર્ટીમાં ગયો હતો. આઠેક વાગ્યે કોડીનાર તાલુકા ના વડનગરના મહેશ ઉર્ફે દિકુડો ઉર્ફે બાવ શંકર મકવાણાના ફોનમાંથી મેહુલે તેના ભાઈ હિતેષ હકુ વડવાતરને ફોન કરી પાણીની બે બોટલ મંગાવી હતી. હિતેષ પાણીની બોટલ આપવા વાડીએ જતા ત્યાં ખેતરમાં કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુ ડગીયા, અજય વના ગુજરીયા, દેવા ભરત રાઠોડ અને મહેશ ઉર્ફે દિકુડો અને મેહુલ બેઠા હતા. મહેશ બોટલ આપી ગામમાં આવતો રહ્યો હતો. બાદમાં રાત્રીના ભોજન પાર્ટીમાં કોઈ ડખ્ખો થયો હતો. આથી મિત્રોએ ઉશ્કેરાઈ જઈ મેહુલ વડવાતરને આંખમાં સ્પ્રે છાંટી આડેધડ પથ્થર મારી લોહીલોહાણ કરી નાસી ગયા હતા. સવારે દેવા ભરત રાઠોડે હિતેષ વડવાતરને ફોન કરી કહ્યું કે તારા ભાઈના અમે બધાએ હાથ પગ ભાંગી નાંખ્યા છે અને તે ખેતરમાં સૂતો છે. આ અંગે હિતેષ વડવાતરે ૧૧૨ પર જાણ કરી મિત્રોને સાથે લઈ વાડીએ જતા ત્યાં ખેતરમાં મેહુલ વડવાતર લોહીલોહાણ હાલતમાં પડયો હતો, કઈ બોલતો ચાલતો ન હતો. ડીવાયએસપી સી.સી. ખટાણા સહિતનો સ્ટાફ અને તબીબ ઘટનાસ્થળે પહોચ્યાં અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સ્થળ પરથી સ્પ્રે, લોહીવાળું ગોદડું, પથ્થર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને લાશને પી.એમ. માટે ગીરગઢડા ખસેડાઈ હતી. જ્યાં પી.એમ. બાદ મૃતકના પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. બાદમાં પોલીસની સમજાવટ બાદ લાશ સ્વીકારવામાં આવતા મામલો થાળે પડયો હતો.
આ અંગે મૃતકના ભાઈ હિતેષ વડવાતરે કોડીનાર તાલુકાના વડનગરના કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુ ડગીયા, દેવા ભરત રાઠોડ, મહેશ ઉર્ફે દિકુડો શંકર મકવાણા અને અજય વના ગુજરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે એલસીબીએ પાંચેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા અગાઉના મનદુઃખના કારણે બોલાચાલી થઈ હતી તેના કારણે ડખ્ખો થતા ઉશ્કેરાઈ જઈ પથ્થર મારી હત્યા કર્યાની કબુલાત આપી હતી.


