Gujarat

રેતીની હેરાફેરી કરતા પાંચ ડમ્પરો જપ્તઃ૧.૬૫ કરોડનો મુદ્દામલ સીઝ

By GS TEAM
21 Jun 20252 mins read
રેતીની હેરાફેરી કરતા પાંચ ડમ્પરો જપ્તઃ૧.૬૫ કરોડનો મુદ્દામલ સીઝ

ગાંધીનગરમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેરીતે

ઉવારસદદંતાલી અને પિંપળજમાં ચેકિંગ દરમિયાન વાહનો પકડાયા : ડમ્પર માલિકો સામે કાર્યવાહી કરાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએથી એક જ દિવસમાં ગેરકાયદે રેતીની હેરાફેરી કરતા પાંચ ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે. જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા આક્સમિક ચેકીંગ કરીને ઉવારસદ, દંતાલી તથા પિંપળજ ખાતેથી પાંચ ડમ્પર પકડીને કુલ ૧.૬૫ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે તથા ડમ્પરના માલિક સામે પણ દંડનીય કાર્યવાહી હાત ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગુનાખોરી, નફાખોરી અને કાળાબજારી જેવા કેસોને ડામવા માટે વધુ સતર્ક બન્યું છે. આ ઝુંબેશના ભાગરૃપે, ભૂસ્તરશા અને ખનીજ વિભાગની ટીમે ગુરુવારે, ૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન, રેતી ખનીજનું ગેરકાયદેસર રીતે વહન કરતા કુલ પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં આશરે રૃપિયા ૧.૬૫ કરોડનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો છે.

આ અંગે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહે જણાવ્યું હતું કે, જિલ્લામાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ઉવારસદ ખાતેથી રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરતું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, દાંતલિ ગામ ખાતેથી રોયલ્ટી પાસ વગર રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતા બે ડમ્પર પકડવામાં આવ્યું હતું.પીંપળજ ચેકપોસ્ટ ખાતેથી રોયલ્ટી પાસમાં દર્શાવેલી માત્રા કરતાં વધુ સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા.જપ્ત કરાયેલા વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.