વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં અધ્યાપકોને પ્રમોશન આપવાની સત્તાધીશોની આળસના કારણે પાંચ વિભાગોના એનબીએ એક્રેડિટેશનની પ્રક્રિયા અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે.
ફેકલ્ટીમાં અત્યારે સિવિલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ પાસે એનબીએનું એક્રેડિટેશન છે.નિયમ પ્રમાણે એન્જિનિયરિંગ કોલેજના વિભાગને એનબીએ( નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન)નું એક્રેડિટેશન મેળવવા માટેની અરજી કરવા માટે જે-તે વિભાગમાં ઓછામાં ઓછા બે અધ્યાપકો પ્રોફેસર હોવા જરુરી છે.પરંતુ પ્રમોશનના અભાવે ઈલેક્ટ્રિકલ, કેમિકલ, મેટલર્જી, ટેક્સટાઈલ કેમેસ્ટ્રી અને ટેક્સટાઈલ એન્જિનિયરિંગ વિભાગમાં બે-બે પ્રોફેસર નથી.જો સત્તાધીશો પ્રમોશન આપે તો આ પાંચે વિભાગોમાં ઓછામાં ઓછા બે અધ્યાપકોને પ્રોફેસર તરીકેનો હોદ્દો મળી શકે તેમ છે અને આ વિભાગો એક્રેડિટેશન માટે અરજી કરી શકે તેમ છે.આ મુદ્દે ફેકલ્ટીના અધ્યાપકોના સંગઠન ટેકનોલોજી ટીચર્સ ફોરમ દ્વારા વાઈસ ચાન્સેલર પ્રો.ભણગને મળીને રજૂઆત કરવામાં આવી હતી.સંગઠનનું કહેવું છે કે, એક તરફ અન્ય ફેકલ્ટીઓમાં અધ્યાપકોના પ્રમોશન માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ઈન્ટરવ્યૂ યોજવામાં આવી રહ્યા છે તો બીજી તરફ ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપકો છેલ્લા પંદર વર્ષથી પ્રમોશનથી વંચિત છે.


