રાજપથ રોડ પર આર.કે.પાર્ટી પ્લોટ પાસે નવરાત્રીમાં લધુમતી કોમના યુવકો પર હુમલો : પાંચ પકડાયા
અમદાવાદ,તા.07 ઓક્ટોબર 2022,શુક્રવાર
નવરાત્રીના તહેવાર દરમિયાન રાજપથ રંગોળી રોડ પર આવેલા આર.કે.પાર્ટી પ્લોટ પાસે લધુમતી કોમના યુવકો પર હુમલો કરી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર પાંચ આરોપીની સરખેજ પોલીસે ગુરૂવારે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ બજરંગદળના કાર્યકરો છે. પોલીસે લધુમતી કોમના યુવકોને મારમારવાના વાયરલ થયેલા વીડિયો આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લધુમતી કોમની લાગણી દુભાય તેવા કૃત્યનો ગુનોઃ બંજરગદળના કાર્યકરો હોવાનું ખુલ્યું
સરખેજ પોલીસે ઘાટલોડીયા ખાતે રહેતાં હિરેન બળદેવભાઈ દેસાઈ, નિલેષ કનુભાઈ પ્રજાપતિ, તરૂણ તુલશીરામ મિસ્ત્રી, મેમનગર ખાતે રહેતાં જીતેન્દ્ર સુભાષભાઈ કોળી અને સાહીલ અરૂણભાઈ દુધકીયાની ધરપકડ કરી હતી. બનાવની વિગતો મુજબ નવરાત્રીના તહેવારના પ્રથમ દીવસે બંજરગદળના કાર્યકરોએ સરખેજના આર.કે. પાર્ટી પ્લોટ પાસે ગરબામાં આવતા યુવકોને ચાંલ્લા કરીને અંદર જવા દેવા તેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે દરમિયાન લધુમતી કોમના કેટલાક યુવકો આવતા તેઓને અપશબ્દો બોલીને ધાર્મિક લાગણી દુભાય તેવા ભાષાપ્રયોગ કરી આરોપીઓએ મારમાર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો આધારે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વીડિયોમાં જોવા મળતા હુમલાખોર યુવકોને પોલીસે ઓળખ કાઢી ઝડપી લીધા હતા.