વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા
રેલવે કર્મચારીની હાલત નાજુક ઃ પોલીસે જાતે રોડ પરના ખાડા પૂર્યા
વડોદરા,ચોમાસામાં હાઇવે પર પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામ થાય છે. તેમજ ખાડામાં પડવાથી ટુ વ્હીલર ચાલકોેને પણ ઇજા થાય છે. વરણામા હાઇવે પર પડેલા મોટા ખાડામાં છેલ્લા બે દિવસ દરમિયાન પાંચ વાહન ચાલકો પટકાતા ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી એક બાઇક ચાલકની હાલત નાજુક છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના ઇંટોલા ગામે રાજકૃપા સોસાયટીમાં રહેતા નરેશભાઇ તડવી ( ઉં.વ.૫૫) અમદાવાદ રેલવેમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ ઘરેથી બાઇક લઇને રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. રેલવે સ્ટેશન બાઇક મૂકીને તેઓ ટ્રેનમાં અમદાવાદ જવાના હતા. તે દરમિયાન વરણામા ગામ પેટ્રોલ પંપ પાસે હાઇવે પર પડેલા મોટા ખાડામાં તેઓની બાઇક પડતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા.માથામાં ગંભીર ઇજા થતા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા નરેશભાઇ હજી બેભાન છે. વરણામા ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા સુશીલ ઠાકોરભાઇ સોની ( ઉં.વ.૨૩) આજે વહેલી સવારે બાઇક લઇને નોકરી પર જતો હતો. વરણામા ગામ પેટ્રોલ પંપ પાસેના મોટા ખાડામાં તે પણ બાઇક સાથે પટકાતા તેનાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને દાંત પણ તૂટી ગયા હતા. સુશીલ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ત્યારબાદ સવારે આલમગીર ગામમાં રહેતો આશિષ બારોટ ( ઉં.વ.૨૫) પિતાને નોકરી પર છોડીને પરત ઘરે જતો હતો. તે દરમિયાન ખાડામાં પડતા ઇજા થઇ હતી. ગઇકાલે રાતે પણ એક બાઇક સવાર ખાડામાં પટકાયો હતો. બે દિવસ પહેલા પણ એક બાઇક સવાર ખાડામાં પડયો હતો. બે દિવસમાં પાંચ અકસ્માત થતા વરણામા પોલીસે આજે જાતે જ સ્થળ પર જઇને રોડ પરના ખાડા પુરાવ્યા હતા.