Gujarat

નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર

By GS TEAM
19 Jun 20261 min read
નંદેસરીના યુવકના ઘરમાં ઘૂસી ખૂની હુમલો કરનાર  તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને હુમલાખોરો ફરાર

વડોદરાઃ કોર્ટ સંકુલમાં બોલાચાલી થયા બાદ નંદેસરીના યુવક પર ઘરમાં ઘૂસીને કરાયેલા ખૂની હુમલાના બનાવમાં વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિતના પાંચ હુમલાખોરોનો કોઇ પત્તો નથી.

નંદેસરીના શિવાજી નગરમાં રહેતા રાજવીરસિંહ સિંધા અને તેની પત્ની વચ્ચે અણબનાવ બનતાં પત્ની પિયરમાં રહે છે.આ બાબતે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તા. ૧૭મીએ કોર્ટની મુદત હતી.આ વખતે હાજરી આપવા આવેલા રાજવીર અને કોર્ટ સંકુલમાં હાજર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજેન્દ્ર ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ વચ્ચે બોલાચાલી થઇ હતી.

ઉપરોક્ત બનાવ બાદ રાજવીર સાંજે ઘેર આવીને આરામ કરતો હતો ત્યારે મારક હથિયારો સાથે ધસી આવેલા રાજેન્દ્ર ગોહિલ અને તેના ચાર સાગરીતોએ રાજવીરની માતા સામે જ તેના પર આડેધડ ફટકા મારતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ બનાવમાં નંદેસરીના પીઆઇ બીડી જાડેજાએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ત્રણ ટીમો બનાવી છે. પોલીસે આરોપીઓના આશ્રયસ્થાનો પર છાપા મારતાં કોઇ પત્તો મળ્યો નથી.હુમલા ખોરોના મોબાઇલ પણ બંધ હોવાથી પોલીસે તેમની છેલ્લી કોલ્સ ડીટેલ અને લોકેશનને આધારે વધુ તપાસ હાથ ધરી છે.