ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા
દુકાનદાર પાસેથી લેપટોપ, પેન ડ્રાઇવ અને કોમ્પ્યુટર કબજે : બે દિવસના રિમાન્ડ
વડોદરા,કોર્પેોરેશનની સ્થાયી સમિતિના સભ્યના હોદ્દા અને સિક્કાનો દુરૃપયોગ કરી આધાર કાર્ડ અપલોડ કરનાર દુકાનદારની સિટિ પોલીસે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે.
ફતેપુરામાં રહેતા અને કોર્પોેરેશનની સ્થાયી સમિતિના સભ્ય હેમીષાબેન જયેશભાઇ ઠક્કરના હોદ્દાના સિક્કાનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી આધાર કાર્ડ અપલોડ કરતા દુકાનદાર પરેશ કિશોરભાઇ કેવલાણી (રહે. કમલ પાર્ક સોસાયટી, વારસિયા રોડ) ની સિટિ પોલીસે ધરપકડ કરી હતી. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, પી.આઇ. આર.બી. ચૌહાણે હાથ ધરેલી તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દુકાનદાર પરેશ કેવલાણીની દુકાન પર અગાઉ એક ગ્રાહક હેમીષાબેનની અસલ સિક્કાવાળું ફોર્મ લઇને આવ્યો હતો. તેના પરથી દુકાનદારે સિક્કો પેસટ કરી પેન ડ્રાઇવમાં સેવ કરી દીધો હતો. છેલ્લા બે મહિનાથી તે આ રીતે ખોટા સિક્કા અને સહીનો ઉપયોગ કરીને આધાર કાર્ડનું કામ કરતો હતો. તેણે અત્યારસુધી પાંચ લોકોને આ રીતે આધાર કાર્ડ બનાવી આપ્યા છે. પોલીસે તેઓને સાક્ષી બનાવ્યા છે. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા છે. પોલીસે દુકાનદાર પાસેથી લેપટોપ, પેન ડ્રાઇવ અને કોમ્પ્યુટર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે