Get The App

કોમર્સ ફેકલ્ટીની ગર્લ્સ કોલેજમાં 84.93 અને મેઈન બિલ્ડિંગમાં 79.37 ટકાએ પ્રવેશ અટકયો

Updated: May 29th, 2025

GS TEAM


Google News
Google News
કોમર્સ ફેકલ્ટીની ગર્લ્સ કોલેજમાં 84.93 અને મેઈન બિલ્ડિંગમાં 79.37 ટકાએ પ્રવેશ અટકયો 1 - image

વડોદરાઃ જીકાસ પોર્ટલ દ્વારા ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં ધો.૧૨ પછીના ડિગ્રી કોર્સમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ આજથી શરુ થયો છે.એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરુ કરાયું છે અને સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીએ ઈડબલ્યુએસ કેટેગરી સહિતની બેઠકો સાથે પહેલા રાઉન્ડમાં પ્રવેશ માટે ૬૪૩૧ વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી બહાર પાડી છે.

અપેક્ષા પ્રમાણે જ જનરલ કેટેગરીમાં પ્રવેશની ટકાવારી ઉંચી રહી છે.જેના કારણે કોમર્સ ફેકલ્ટીમાં ફરી પ્રવેશની સમસ્યા સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે.વડોદરાના વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ કેટેગરીમાં ૮૪.૯૩ ટકાએ, મેઈન બિલ્ડિંગમાં ૭૯.૩૭ ટકાએ, જનરલ એજ્યુકેશન બિલ્ડિંગમાં  ૬૬.૪૩ ટકાએ અને પાદરા કોલેજમાં ૬૩.૧૪ ટકાએ પ્રવેશ અટકયો છે.જ્યારે જનરલ કેટેગરીમાં વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ કોલેજમાં ૯૦.૭૧ ટકાએ, મેઈન બિલ્ડિંગમાં ૮૯ ટકાએ, જનરલ એજ્યુકેશન બિલ્ડિંગમાં ૮૬.૧૪ ટકાએ અને પાદરા કોલેજમાં ૮૫.૨૯ ટકાએ પ્રવેશ અટકયો છે.

કોમર્સ ફેકલ્ટીના સૂત્રોએ કહ્યું હતું કે, આજે ૬૪૩૧ પૈકી ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઓટીપી જનરેટ કરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.પહેલા રાઉન્ડમાં જેમને પ્રવેશ મળ્યો છે તેવા  વિદ્યાર્થીઓએ તા.૩૧ મે સુધીમાં પ્રવેશ મેળવી લેવો પડશે.એ પછી જેટલી બેઠકો ખાલી પડશે તેના પર બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.


ગત વર્ષની જેમ અન્યાય થવાની શક્યતા 

સ્થાનિક વિદ્યાર્થીઓ માટે  પ્રવેશની સમસ્યાના ભણકારા 

સત્તાધીશોએ ૮૦ ટકાની જગ્યાએ ૮૫ ટકા બેઠકો સ્થાનિકો માટે અનામત રાખવાનો નિર્ણય લીધો 

કોમર્સ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડના મેરિટને જોતા ગત વર્ષની જેમ જ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પ્રવેશની સમસ્યા સર્જાવાના ભણકારા વાગી રહ્યા છે.ફેકલ્ટી સત્તાધીશોએ પહેલા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૮૦ ટકા અને હવે ૮૫ ટકા બેઠકો અનામત રાખવાનું નક્કી કર્યું છે.જોકે એ પછી પણ કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેવી શક્યતા છે.જેના પગલે ખાનગી યુનિવર્સિટીઓને જ ફાયદો થવાનો છે.સત્તાધીશોએ એક સાથે એફવાય, એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓની ફેકલ્ટીમાં જ પરીક્ષા લઈ શકે છે પરંતુ જ્યારે એફવાયમાં પ્રવેશ આપવાની વાત આવે છે ત્યારે જગ્યા નહીં હોવાનું ગાણું ગાય છે.ગત વર્ષે તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.શ્રીવાસ્તવે રાતોરાત બેઠકો ઘટાડી દીધી હતી અને આ જ પ્રથા આ વર્ષે યુનિવર્સિટીના અત્યારના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ ચાલુ રાખી છે અને તેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને ફરી અન્યાય થવાની શક્યતા છે.

અન્ય ફેકલ્ટીઓની પ્રવેશ યાદી નહીં મૂકાતા સવાલો 

યુનિ.ની વેબસાઈટ પર માત્ર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ યાદી મૂકાઈ

ચોંકાવનારી વાત એ છે કે, યુનિવર્સિટી સત્તાધીશોએ હેડ ઓફિસ ખાતે બુધવારની રાત્રે થયેલા વિરોધ બાદ કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવાનો નિર્ણય લીધો હતો.જોકે અન્ય ફેકલ્ટીઓની પ્રવેશ યાદી વેબસાઈટ પર  પ્રસિધ્ધ કરવામાં આવી નથી.આમ અન્ય ફેકલ્ટીઓમાં  કેટલા ટકા સુધીના વિદ્યાર્થીઓને  પહેલા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે તેની જાણકારી જાહેર થઈ નથી.કારણકે જેમને પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓને એસએમએસ કરીને જાણ કરવામાં આવી રહી છે.કોમર્સ ફેકલ્ટીની જેમ બીજી ફેકલ્ટીઓની પ્રવેશ યાદી પ્રસિધ્ધ કરવાનુ સત્તાધીશો કેમ ટાળી રહ્યા છે તે એક સવાલ છે અને તેના કારણે સત્તાધીશોની દાનત પર પણ સવાલો ઉભા થયા છે.

Tags :