Get The App

ધોરણ 10નું ભાષાનું પ્રથમ પેપર પૂર્ણ, ગુજરાતીનું પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓ રાજીના રેડ

Updated: Feb 27th, 2025

GS TEAM


Google News
Google News
ધોરણ 10નું ભાષાનું પ્રથમ પેપર પૂર્ણ, ગુજરાતીનું પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓ રાજીના રેડ 1 - image


Gujarat Education Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી (27મી ફેબ્રુઆરી) રાજ્યમાં ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભાષાનું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પેપર ગુજરાતીનું હતું, જ્યારે અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થીઓને પ્રથમ પેપર અંગ્રેજીનું હતું. ગુજરાતીનું પેપર સરળ પૂછાતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પ્રથમ પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આનંદમાં જોવા મળ્યા હતા. 

આજે સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ભાષાના પેપરમાં વ્યાકરણ સરળ હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો. આ ઉપરાંત નિબંધ અને MCQ સરળ હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી હસતા ચહેરા બહાર આવતા જોવા મળ્યા હતા. 

જ્યારે આજે બપોરે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે. ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:30નો રહેશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. 

14.28 લાખથી વધુ પરીક્ષાર્થીઓ

ધોરણ 10-12ના કુલ 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતાં સ્કૂલ બિલ્ડિંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો. 10-12ની બોર્ડ પરીક્ષા 17મી ફેબ્રુઆરીથી 17મી માર્ચ સુધી લેવાશે અને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના કુલ મળીને 1661 કેન્દ્રોમાં 5222 સ્કૂલ બિલ્ડિંગ, 50991 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે 1934 કેન્દ્રોમાં 5378 બિલ્ડીંગોમાં 54292 બ્લોકમાં લેવાઈ હતી. જો કે, આ વર્ષે નવા કેન્દ્રો માંગણીઓને પગલે મંજૂર કુલ કેન્દ્રો વધ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ ઘટતા 156 સ્કૂલ બિલ્ડિંગ ઘટી છે અને 3303 બ્લોક ઘટ્યા છે. 

બોર્ડ પરીક્ષાની આકંડાકીય માહિતી 

• બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ 14,28,175 વિદ્યાર્થીઓ 

•વિદ્યાર્થીઓમાં 7,64,630 છોકરાઓ 6,63,545 છોકરીઓ 

•આ વર્ષે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા  

•ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ 

•ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909  વિદ્યાર્થીઓ 

•ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થીઓ 

•પરીક્ષા માટે વિવિધ જિલ્લાના કુલ 87ઝોન 

•ગુજરાતના 16661 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે 

•રાજ્યની 5222 સ્કૂલ બિલ્ડિંગોમાં પરીક્ષા 

•કુલ 50991 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા 

•409 જેટલા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો 

•પરીક્ષા માટે 80 હજારથી વધુનો અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ 

•બોર્ડ દ્વારા 68 ફ્લાઇંગ સ્કવોડ મૂકાઈ 

•મુખ્ય ચાર શહેરોની જેલમાં 113 કેદી પરીક્ષા આપશે 

•વર્ગ 1-2ના 1500થી વધુ અધિકારીઓ 

•બોર્ડ પરીક્ષામાં ધોરણ 10-12માં કુલ 6251 દિવ્યાંગ વિદ્યાર્થી 


Tags :