ગાંધીનગરના દારૃના કેસમાં ગુજસીટોક હેઠળ પોલીસ કોન્સ્ટેબલને આરોપી બનાવ્યાની પ્રથમ ઘટના

વડોદરા,કરજણના ૧.૭૭ કરોડનો દારૃના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કોન્સ્ટેબલ સાજણની સંડોવણી બહાર આવતા તેને સસ્પેન્ડ કરી અટક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજસીટોકના ગુનાના મુખ્ય સૂત્રધારને મદદ કરતા કોન્સ્ટેબલને ગુજસીટોકના ગુનાનો આરોપી બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં આ પહેલી ઘટના છે કે, પોલીસ જવાનની સામે ગુજસીટોકનો કેસ થયો છે.
૧.૭૭ કરોડનો દારૃ ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગત રવિવારે રાત્રે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમા એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી ટેન્કર ઝડપી પાડી ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ (રહે. કકરાલા, તા.સેડવા,જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. જે અંગે કરજણમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન, એસ.એમ.સી.ને એવી જાણકારી મળી હતી કે, આ ટેન્કરને ભરૃચ ખાતે રોકી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે ૧૫ લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં એસ.એમ.સી.ના જ કોન્સ્ટેબલ સાજણ આહિરની સંડોવણી છે. જેથી, તે દિશામાં તપાસ કરવામાં આવી હતી.
સાજણ વસરાને ખબર હતી કે, કરજણના દારૃના કેસમાં તેની સંડોવણી છે. જેથી, તે પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને ૨૩ મી તારીખથી ગેરહાજર હતો. એસ.એમ.સી.ની ટીમ દ્વારા તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન કરજણના ગુનામાં તેની સંડોવણી જણાઇ આવતા કોન્સ્ટેબલ સાજણ વિરાભાઇ વસરા (આહિર) (રહે. જે.કે.વી. નગર -૪, જામનગર રોડ, જામ ખંભાળીયા,જિ. દેવભૂમિ દ્વારકા, મૂળ રહે.મેન બજાર, વાડી વિસ્તાર, લાલપરડા ગામ,તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા) ને કરજણ પોલીસ સ્ટેશનના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો. તેમજ ઉપરોક્ત ગુનાની તપાસ માટે તેને વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાજણ વસરા ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ ( રહે. સીકર, રાજસ્થાન) ને મદદરૃપ થઇ આર્થિક લાભ મેળવતો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે જરૃરી પુરાવાઓ એકત્રિત કરી ગુજસીટોકના ગુનામાં પણ સાજણ વસરાનું નામ આરોપી તરીકે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
૧૦ રૃપિયાની નોટનું ટોકન લઇ આવનારને પૈસા આપવાના હતા
વડોદરા,
આરોપીએ મોકલેલા ૧૫લાખ પૈકી ૧૦ લાખ રોકડા રાહુલ નામના વ્યક્તિના નામે ગાંધીનગર ખાતે આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. ૧૦ રૃપિયાની નોટનું ટોકન લઇને આવનાર વ્યક્તિને આ પૈસા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સાજણ દોઢ વર્ષથી એસ.એમ.સી.માં ફરજ બજાવતો હતો
વડોદરા,
દારૃના ધંધામાં સંડોવાયેલા સાજણ આહિરનું મૂળ પોસ્ટિંગ દેવભૂમિ દ્વારકામાં હતું. પરંતુ, છેલ્લા દોઢ વર્ષથી તે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતો હતો. આ એટેચની ફરજમાંથી તેને મુક્ત કરી મૂળ પોસ્ટિંગની જગ્યાએ દેવભૂમિ દ્વારકા પરત મોકલી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
પોલીસ જવાન અને બૂટલેગર વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ મળી
વડોદરા,
સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ દરમિયાન કુલ પાંચ વોઇસ ક્લીપ મળી આવી હતી. જે પૈકી ૨ ક્લીપમાં એક તરફ પોલીસ કોન્સ્ટેબલ સાજણ વસરા જ્યારે બીજી તરફ ગુજસીટોકના ગુનાનો મુખ્ય સૂત્રધાર અનિલ ઉર્ફે પાંડિયા જગદીશ પ્રસાદ જાટ વચ્ચે વાતચીત થઇ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. જેમાં સાજણે અનિલ ને વિજીલન્સની ટીમ આવે તો પણ રેડ ના થાય તેવી દારૃની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની સિસ્ટમ સમજાવી હતી.
સાજણનો માણસ ૧૦ લાખ આંગડિયા પેઢીમાં પરત આપી આવ્યો
વડોદરા,
અનિલ ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ ( રહે. સીકર, રાજસ્થાન) દ્વારા તે જ દિવસે ૧૫ લાખ આંગડિયામાં ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. તે રૃપિયા પૈકી પાંચ લાખ હાર્દિક નામનો શખ્સ તે દિવસે જ ગાંધીનગર ખાતેથી લઇ ગયો હતો. જ્યારે ૧૦ લાખ તે દિવસે ગાંધીનગરથી જૂનાગઢ એમ.જી.રોડ પર રાકેશ નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. આ ૧૦ લાખ એસ.એમ.સી.ના કોન્સ્ટેબલ સાજણ વિરાભાઇના કહેવાથી રોકી નામનો વ્યક્તિ લઇ ગયો હતો. પોલીસનું કહેવું છે કે, સાજણને ગંધ આવી જતા તેણે પોતાના માણસ પાસે આંગડિયામાં ૧૦ લાખ પરત મોકલાવી દીધા હતા.
ગ્રામ્ય પોલીસની ટીમ આરોપીને લેવા ગાંધીનગર રવાના
વડોદરા,
વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમને જાણ કરવામાં આવતા એક ટીમ ગાંધીનગર જવા રવાના થઇ છે. મોડીરાતે રવાના થયેલી ટીમ સાજણ ભરવાડનો કબજો લઇ વડોદરા આવશે અને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









