વડોદરા શહેરમાં પ્રથમ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ગયા વર્ષના પૂરની યાદ તાજી થતાં ઉચાટ ફેલાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Filephoto
Vadodara Rain Update : વડોદરા શહેરમાં ગઈ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મન મૂકીને ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડતા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોના રહીશોમાં ઉચાટ ફેલાયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ જતા શહેરીજનોને ગયા વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની યાદ તાજી થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જ્યારે પાલિકા તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ પર જ દેખાઈ હતી. પ્રિમોન્સૂન કામગીરી યોગ્ય રીતે નહીં કરાયાના આક્ષેપો વચ્ચે કોર્પોરેટરો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત નેતાઓ અને ધારાસભ્યો પણ ભરાયેલા પાણી બાબતે ચર્ચા કરતા હતા. જોકે જુદા જુદા વિસ્તારના કોર્પોરેટરો મોબાઈલ ફોનથી અન્ય કોર્પોરેટરોના વિસ્તારમાં ભરાયેલા પાણી બાબતે પૃચ્છા કરતા રહ્યા હતા. આમ પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. જોકે પાલિકા તંત્ર દ્વારા શહેરના મોટાભાગના તમામ રોડ રસ્તા ખોદી નાખ્યા હોવાથી તેમાં ભરાયેલા પાણીના કારણે વરસાદી પાણી સાથે ચીકણી માટી પણ રોડ ઉપર આવી જતા દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થઈ ગયાના પણ અનેક બનાવો નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે દિવસભરના વાદળિયા વાતાવરણ બાદ સમી સાંજે ઝરમર વરસાદ રાત સુધી ચાલ્યો હતો. પરિણામે રોડ રસ્તા માત્ર ભીના થયા હતા. પરંતુ રાત્રે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે સૂસવાટાભેર પવન શરૂ થયો હતો અને જોત જોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત વરસતા વરસાદ વચ્ચે શહેરના મોટાભાગના તમામ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ જવા સાથે શહેરમાં ગયા વર્ષે આવેલા ભારે પૂરની યાદ તાજી થતા સૌ કોઈમાં ઉચાટ ફેલાયો હતો.
દરમિયાન પાલિકા તંત્ર દ્વારા કહેવાતી પ્રિમોન્સૂન કામગીરીમાં પ્રતિ વર્ષની જેમ માત્ર ધાંધીયા ઉતાર્યાની લાગણી લોકો વ્યક્ત કરતાં જણાયા હતા. તંત્રની પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાના પણ આક્ષેપો થયા હતા.
જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રના પદાધિકારીઓ સહિત કોર્પોરેટરોમાં પણ પ્રિમોન્સૂન કામગીરી અંગે ચર્ચાનો વિષય બન્યો હતો. એકબીજા વોર્ડના કોર્પોરેટરો મોબાઇલ ફોનથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની બાબતે સતત ચર્ચા કરતા રહ્યા હતા. જ્યારે પાલિકા પદાધિકારીઓ અને ધારાસભ્ય સહિત નેતાઓ પણ વડોદરામાં પડેલા ધોધમાર વરસાદથી ચિંતામાં મુકાયા હતા. આમ માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ પાલિકા તંત્ર દ્વારા કરાવાયેલી પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા.
જોકે ચાર દરવાજા વિસ્તારમાં નજીવા વરસાદે પાણી ભરાઈ જવાની પ્રત્યેક સિઝનમાં ઘટનાઓ સર્જાતી રહે છે ત્યારે ગઈ મોડી રાતના પડેલા ભારે વરસાદના કારણે ચાર દરવાજા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા અને દ્વિચક્રી વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી હતી. આ ઉપરાંત અનેક દ્વિચક્રી વાહન ચાલકો ભરાયેલા પાણીમાં અટવાઈ ગયા હતા.








