Gujarat

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ

By GS TEAM
10 Jun 20262 mins read
TukuTouch Logo
પૂર નિવારણ સમિતિની ભલામણ બાદ કાર્યવાહી; ડેમની આંતરિક સ્થિતિ, વોટર લિંક અને સંભવિત સિંકહોલ અંગે કરાયું મેપિંગ

Summarized by AI; it may make mistakes. Check important info

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન  રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ

Vadodara Ajwa Lake : વડોદરા શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી અને હેલ્થનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ઇજારદાર પર્સન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી કરાવવામાં આવેલી આ કામગીરી પાછળ કુલ રૂ. 1,47,25,469નો ખર્ચ થયો છે.

વર્ષ 2024 દરમિયાન ભારે વરસાદના કારણે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આસપાસના વિસ્તારમાં પૂર નિવારણના પગલાં અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા ભારત સરકારના પૂર્વ સચિવ બી. એન. નવલાવાલાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી.

સમિતિએ પોતાના અભ્યાસ દરમિયાન 135 વર્ષ જૂના આજવા સરોવરની માળખાકીય મજબૂતી અને તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત દર્શાવી હતી. વર્ષ 1891માં નિર્માણ પામેલા આ ઐતિહાસિક જળાશય પર અત્યાર સુધી કોઈ જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે સમિતિએ તાત્કાલિક આ પરીક્ષણ હાથ ધરવાની ભલામણ કરી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટની કલમ 67(3) હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. સરોવરમાં પાણીનું સ્તર ઓછું હોય ત્યારે પરીક્ષણ કરવાથી વધુ ચોક્કસ અને ઉપયોગી માહિતી મળી શકે તે ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જીઓ ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન અંતર્ગત નોન-ડિસ્ટ્રક્ટિવ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડેમની આંતરિક સ્થિતિનું મેપિંગ કરવામાં આવ્યું હતું. તેમાં ડેમની અંદર પાણીના પ્રવાહના સંભવિત માર્ગો (વોટર લિંક), કોઈ સિંકહોલ સર્જાયો હોય તો તેની સ્થિતિ તેમજ અન્ય માળખાકીય પાસાંઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ઉપરાંત સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ગેરી)ના તકનીકી સૂચનો અને માર્ગદર્શન પણ લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.