Gujarat

વડોદરાઃ કલ્લા ગ્રામ પંચાયતમાં આઝાદી બાદ પહેલી ચૂંટણી,સમરસતાનો દાયકાઓનો રેકોર્ડ તૂટ્યો

By GS TEAM
20 Jun 20252 mins read
વડોદરાઃ કલ્લા ગ્રામ પંચાયતમાં આઝાદી બાદ પહેલી ચૂંટણી,સમરસતાનો દાયકાઓનો રેકોર્ડ તૂટ્યો

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તૈયારીઓ અને પ્રચાર કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની કલ્લા ગ્રામ પંચાયતમાં આઝાદી બાદ પહેલીવાર ચૂંટણી યોજાવા જઇ રહી છે.

કલ્લા ગ્રામ પંચાયતની વસ્તિ ૧૧૦૦ જેટલી છે અને તેમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૫ ટકા જેટલું છે.ગામમાં મુસ્લિમ વસ્તિ વધુ છે અને તેની સાથે સાથે કોળી પટેલ,આદિવાસી સહિતની હિન્દુ વસ્તિ પણ છે.

કલ્લા ગ્રામ પંચાયતમાં વર્ષોથી કોમી એખલાસનો માહોલ જળવાયેલો છે.ગામના બુઝુર્ગ મુસ્લિમ ધર્મગુરૃ મુશ્તાકઅલી  બાપુ અને પરિવાર ગામમાં શિક્ષણ  અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને તેને કારણે દરેક કોમના લોકો તેમનો આદર કરી રહ્યા છે.

કલ્લા ગ્રામ પંચાયતમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બાપુ તમામ જ્ઞાાતિના લોકોને બોલાવી ચર્ચા કરે છે અને સમરસ પંચાયતનો આગ્રહ રાખે છે.જેથી ગામમાં ભવિષ્યમાં કોઇ જૂથબંધી ઉભી ના થાય.તેમની અપીલને કારણે  સર્વસંમતિથી સરપંચનો ઉમેદવાર નક્કી થાય છે અને ચૂંટણી થતી નથી.

આ વખતે આગામી તા.૨૨મીએ યોજાનારી ચૂંટણીમાં ધર્મગુરૃએ લોકોની રાય લઇને સરપંચપદે નટુભાઇ ઠાકોરનું નામ નક્કી કર્યું હતું. પરંતુ તમેની સામે ખુદ તેમેના ૨૨ વર્ષના ભત્રીજા કિરણે જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને ઉમેદવારી કરતાં આઝાદી બાદ પહેલીવાર ચૂંટણી થનાર છે.

ગામની સીબીએસઇ અને ગુજરાતી સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ,વર્ષોથી સમૂહ લગ્નો

કોઇપણ  પરિવાર વચ્ચે તકરાર થાય તો લિગલ ક્લિનિકની સુવિધા,બ્લડ ડોનેશન

 કલ્લા ગ્રામ પંચાયત માત્ર સમરસ પંચાયતનો જ રેકોર્ડ નથી ધરાવતી પણ તેની સાથે સાથે નાતજાતના ભેદ વગર સેવાકીય પ્રવૃત્તિ માટે પણ પંકાયેલી છે.

ગામમાં સીબીએસઇ ઇંગ્લિશ અને ગુજરાતી મિડિયમની સ્કૂલ   છે, જેનું પરિણામ ૧૦૦ ટકા છે.

આ પ્રવૃત્તિઓ શરૃ કરવામાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વકીલ સદગત આઇ. યુ. પટેલની ભૂમિકા પણ મહત્વની હતી.વળી,ગામમાં કોઇ પણ તકરાર થાય તો પોલીસ અને કોર્ટના ચક્કરમાંથી બચવા માટે દર રવિવારે લિગલ ક્લિનિક ચલાવવામાં આવે છે.જ્યારે,વર્ષોથી ભેદભાવ વગર સમૂહ લગ્નો,બ્લડ ડોનેશન કેમ્પ પણ કરાય છે.

વડોદરા પાસેની ધનીયાવી ગ્રામ પંચાયતમાં પણ 33 વર્ષ પછી ચૂંટણી

વડોદરાના તરસાલી વિસ્તાર પાસે આવેલા ધનીયાવી ગામે પણ વોરા પટેલ, ગરાસીયા અને ક્ષત્રિય સમાજની ૨હજારથી વધુ વસ્તી  છે.જેમાં ગામના સંપ ને કારણે દરેક કોમના વારાફરતી સરપંચ નક્કી થતા હતા અને સમરસ પંચાયત બનતી હતી. આઝાદી પછી વર્ષ-૧૯૯૨માં એક જ વાર ચૂંટણી થઇ હતી.પરંતુ આ વખતે સંમતિ નહિ સધાતા જેનબબેન પટેલ અને અમતબેન પરમાર વચ્ચે મુકાબલો થનાર છે.