Get The App

પહેલી વખત દાદરીથી વરણામાના કન્ટેનર ડેપો સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન પહોંચી

Updated: Dec 23rd, 2024

GS TEAM


Google News
Google News
પહેલી વખત દાદરીથી વરણામાના કન્ટેનર ડેપો સુધી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન પહોંચી 1 - image

વડોદરાઃ ભારત સરકારની કંપની કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના વરણામા ખાતે બનેલા નવા કન્ટેનર ડેપો  દિલ્હી નજીકના દાદરીથી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનની અવર જવર શરુ થઈ છે.પહેલી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેન તા.૨૧ના રોજ વરણામા ડેપો ખાતે આવી પહોંચી હતી.જેના કન્ટેનરને બાદમાં ડેપો પરથી સિંગલ સ્ટેક ટ્રેનમાં મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પર રવાના કરાયા હતા.

વરણામા ડેપોના ચીફ મેનેજર રજત ગુપ્તાના કહેવા પ્રમાણે દાદરીથી મુંબઈ સુધીના ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર સુરતથી આગળ ગોઠણગામ સુધીનો ટ્રેક બની ગયો છે.આ ટ્રેકનું જોડાણ વરણામા કન્ટેનર ડેપો સાથે છે.જેના કારણે વરણામા ડેપો પરથી રોજ એક ટ્રેન ૯૦ કન્ટેનરો સાથે ગોઠણગામ સુધી ફ્રેઈટ કોરિડોરા ટ્રેક પર અને ગોઠણગામથી ભારતીય રેલવેના નોર્મલ ટ્રેક પર થઈને મુંબઈના પોર્ટ પર પહોંચે છે.ઉત્તર ભારતના દાદરી અને ખટુઆોના કન્ટેનર ડેપો પરથી પણ અત્યાર સુધી સિંગલ સ્ટેક ટ્રેન જ ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર દોડતી હતી પરંતુ હવે ડબલ સ્ટેક કન્ટેનર સાથેની ટ્રેન  વરણામા સુધી દોડાવવાનું શરુ કરાયું છે.

તેમના કહેવા અનુસાર ડબલ સ્ટેક ટ્રેનમાં ૯૦ની જગ્યાએ ૧૮૦ કન્ટેનર હોય છે.આમ એક ટ્રેનમાં ડબલ કન્ટેનરની હેરફેરથી સમયની સાથે એનર્જીની પણ બચત થાય છે.દાદરીથી પહેલી ટ્રેન ૨૧ ડિસેમ્બરે વરણામા ખાતે આવી હતી.આ ટ્રેનના કન્ટેનર ઉતારીને તેને બે સિંગલ સ્ટેક ટ્રેન થકી મુંબઈ રવાના કરાયા હતા.વડોદરાના ઉદ્યોગોના કન્ટેનર  તો ડેપો પરથી સિંગલ સ્ટેક ટ્રેનમાં રવાના કરાય જ છે.આમ હવે વરણામા ખાતેથી રોજ ૩ ટ્રેન મુંબઈ રવાના થશે.આ ટ્રેનો વળતા પ્રવાસમાં જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી ઉત્તર ભારતના કન્ટેનર ડેપો તરફના જે કન્ટેનર લઈને આવશે તેને વરણામાથી ફરી ડબલ સ્ટેક ટ્રેનમાં દાદરી અને ખટુઆ રવાના કરાશે.ઉલ્લેખનીય છે કે, લગભગ ૩૫૦ કરોડના ખર્ચે બનેલો વરણામાનો કન્ટેનર ડેપો જૂન, ૨૦૨૩થી કાર્યરત કરવામાં આવ્યો છે.

પોર્ટ સુધી ફ્રેઈટ કોરિડોર બન્યા બાદ ૧૦ કલાકમાં કન્ટેનર પહોંચી જશે 

કન્ટેનર ડેપોના ચીફ મેનેજર રજત ગુપ્તાનું કહેવું છે કે, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પર ગોઠણ ગામથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ સુધીનો જ ટ્રેક બાકી છે.એક વર્ષમાં આ કામગીરી પૂરી થાય તેવો અંદાજ છે અને એ પછી તો વરણામાથી ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનને મુંબઈ પોર્ટ સુધી દોડાવવી શક્ય બનશે.ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના કારણે વડોદરાથી  મુંબઈ સુધી કન્ટેનરોને પહોંચતા માત્ર ૧૦ જ કલાકનો સમય લાગશે.જેનાથી ઉદ્યોગોને પણ ફાયદો થશે.


Tags :