રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, પ્રૌઢ દર્દીએ સ્પે. વોર્ડમાં દમ તોડયો
- મોટી વય, જૂની બીમારી ઉપરાંત કોરોના થાય ત્યારે વધુ અસર
- શ્વાસોશ્વાસની તકલીફ થતા હોસ્પિટલે ખસેડાયા, એક વર્ષમાં બીપી,ડાયાબીટીસ હતું, કોરોના રસીના ત્રણ ડોઝ લીધા હતા
- સિવિલના તબીબોને માસ્ક પહેરી સારવાર કરવા સૂચના
રાજકોટ: રાજકોટમાં આજે કોરોના દર્દીનું પ્રથમ મૃત્યુ જાહેર થયું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર ગઈકાલે ૫૫ વર્ષના એક વૃધ્ધને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને કોવિડ પ્રોટોકોલ અનુસાર સારવાર શરુ કરાઈ હતી જેનું આજે મૃત્યુ નીપજ્યું છે. દર્દીને કોરોનાના લક્ષણો ઉપરાંત જુની બિમારીઓ પણ હતી તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું છે. સિવિલમાં અત્યાર સુધીમાં ૬ દર્દી દાખલ કરાયા હતા જેમાંથી ૩ને ડિસ્ચાર્જ કરાયા છે, એકનુંમૃત્યુ નીપજ્યું છે. રાજકોટમાં આજે વધુ ૯ સહિત ૧૧૪ પોઝીટીવ કેસ નોંધાયા છે.
મૃત્યુ પામનાર ૫૫ વર્ષના પ્રૌઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા હતા અને તેને તાજેતરમાં તેને ડાયાબીટીસ હોવાનું નિદાન થયું હતું અને એક વર્ષથી હાઈપર ટેન્શન હતું. ગત પાંચ-છ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ વર્તાતી હતી અને સામાન્ય તાવ રહેતો હતો તેમજ દર્દી તરફથી જણાવાયા મૂજબ તેણે કોરોના વેક્સીનના પૂરા ત્રણ ડોઝ લીધેલા હતા. દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફને ઓ.પી.ડી.માં માસ્ક પહેરીને અને આઈસોલેશન વોર્ડમાં પીપીઈ કીટ સહિતના પ્રોટોકોલને પાળીને સારવાર કરવા સિવિલ સુપ્રિ.ડો.મોનાલી માંકડીયાએ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે સિવિલના એક ડોક્ટરને પણ આ પહેલા કોરોના પોઝીટીવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયેલ હતા.
રાજકોટમાં આજે મલેશિયાથી અહીંના કાલાવાડ રોડ પર આવેલા ૩૬ વર્ષીય યુવાન , મુંબઈથી અત્રે વર્ધમાનનગરમાં આવેલા ૨૬ વર્ષીય યુવાનને તેમજ કેવડાવાડીમાં ૨૬ વર્ષીય યુવતી, સોપાન હાઈટમાં ૨૭ વર્ષીય યુવાન, આકાશદીપ સોસાયટીમાં ૪૪ વર્ષીય મહિલા, રાજલક્ષ્મી સોસાયટીમાં ૬૯ વર્ષના વૃધ્ધ, હેમુ ગઢવી હોલ પાછળ ૨૬ વર્ષીય યુવતી, નરશીપાર્ક-૧,વોર્ડ નં.૮માં ૩૨ વર્ષીય યુવાન, મયુરનગરમાં ૨૬ વર્ષીય યુવાન સહિત ૯ કોરોના પોઝીટીવ દર્દી જાહેર થયા છે જે તમામને હોમ આઈસોલેટ કરાયા છે. ૯ પૈકીના ૮ દર્દીઓ યુવાન વયના છે. શહેરમાં હાલ ૫૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
જામનગરમાં આજે રઘુવીર સોસાયટીમાં ૧૭ વર્ષીય તરુણી, ઈન્દ્રદીપ સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવાન, પટેલ કોલોનીમાં ૬૨ વર્ષના વૃધ્ધ અને શ્રીનિવાસ કોલોનીમાં ૫૮ વર્ષની મહિલા સહિત ચાર કોરોના કેસ નોંધાયા છે. જામનગરમાં કૂલ ૮૪ કેસો નોંધાયા છે અને હાલ ૫૨ દર્દી હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે.