- 5 ટકા કમિશનની લાલચે બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું
- સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કારસ્તાન સામે આવ્યા બાદ પાંડવા ગામના એક સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો, બેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
બાલાસિનોર : બાલાસિનોર તાલુકામાં મ્યુલ એકાઉન્ટનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં કારસ્તાન સામે આવ્યા બાદ લુણાવાડાની બેન્ક ઓફ મહારાષ્ટ્રનું બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર પાંડવા ગામના એક સહિત કુલ ત્રણ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાલાસિનોરના આ શખ્સના ભાડે આપેલા એકાઉન્ટમાં જુદા જુદા ૧૧ રાજ્યોના ૨૪ લોકોના પૈસા જમા થયા છે. બીજી તરફ પોલીસે આ ગુનામાં બે શખ્સોની ધરપકડ કરી છે.
બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇએ જાતે ફરિયાદી બની બાલાસિનોર તાલુકાના પાંડવા ગામમાં પંચાયત મિલકતમાં રહેતા દશરથભાઇ કિશોરભાઇ ગોંડલિયા, દેવેન્દ્રભાઇ ડોડિયા અને ગુરૂ નામના ત્રણ શખ્સો સામે મ્યુલ એકાઉન્ટ અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં દેવેન્દ્ર અને ગુરૂ નામના શખ્સોના સંપર્કમાં આવ્યા બાદ પાંડવાના દશરથભાઇ ગોંડલિયાએ પોતાના નામનું એકાઉન્ટ લુણાવાડાની બેન્ક ઓફ મહારાષ્ટ્રની શાખામાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં ૨૫ માર્ચ, ૨૦૨૫થી આજ સુધીમાં ગુજરાત સહિત જુદા જુદા ૧૧ રાજ્યના સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૨૪ લોકોના રૂ.૭૩,૮૧૬ની રકમ જમા થઇ હતી. બેન્ક એકાઉન્ટ ભાડે આપવા બદલ દશરથભાઇને પાંચ ટકા કમિશન આપવામાં આવતું હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બાલાસિનોર તાલુકા પોલીસે આ ફરિયાદ સંદર્ભે દશરથભાઇ કિશોરભાઇ ગોંડલિયા અને રાજુભાઇ ઉર્ફે ગુરૂ મહેશ કેશુભાઇ વસોયા નામના શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
કેવી રીતે મ્યુલ એકાઉન્ટ પકડાયું ?
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સૌપ્રથમ રિપોર્ટ થયેલા એકાઉન્ટની યાદી આ૫વામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસે સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ મારફતે તપાસ કરીને પાંડવા ગામના શખ્સના નામે ચાલતું આ બેન્ક એકાઉન્ટ શોધી કાઢયું હતું. ત્યાર બાદ બેન્કમાંથી કેવાયસી ડિટેઇલના આધારે ખાતા ધારકના નામ, મોબાઇલ નંબર સહિતની વિગતો શોધી કાઢી હતી. આ બેન્ક એકાઉન્ટના નામે સાયબર ફ્રોડના અનેક રિપોર્ટ થયેલા હોવાનું જણાતા પોલીસે ફોજદારી રાહે ગુનો દાખલ કર્યો છે.


