વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું
આધારકાર્ડ સોફ્ટવેર અપડેટ થતા વિદેશમાં જન્મેલ ભારતીય બાળકોના આધારકાર્ડ બનાવવાની શરૂઆત
આધારકાર્ડમાં સુધારા અને નવા આધારકાર્ડની પ્રક્રિયા ઝડપી બનશે
આધારકાર્ડનું સોફ્ટવેર અપડેટ થતા અરજદારોને અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. અત્યાર સુધી વિદેશમાં જન્મતા ભારતીય બાળકોનું આધાર કાર્ડ બની શકતું ન હતું. જો કે, હવે તે શક્ય બન્યું છે. વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું છે.
વડોદરાના ધર્મેશભાઈ પટેલ યુએસએ સ્થાયી થયા હોય 9વર્ષના પુત્રના આધારકાર્ડ માટે આવ્યા હતા. કોર્પોરેશનની વસ્તી ગણતરી શાખા ખાતે તેમના પુત્રનું આધારકાર્ડ બનતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવા અપડેટથી એનઆરઆઈ બાળકોનું આધારકાર્ડ બનતા મારી જેવા અસંખ્ય લોકોને રાહત થશે. જ્યારે સેશન્સ ઓફિસર સમીક જોષીનું કહેવું હતું કે, નવા સૉફ્ટવેરથી આધારકાર્ડમાં સુધારા અને નવા આધાર કાર્ડની પ્રક્રિયા ઝડપી બનશે. ઈમેલ અને મોબાઈલ નંબર ઓટીપી બાદ જ આધાર સાથે લિંક થશે. ડોક્યુમેન્ટની ખરાઇ પણ ઓટોમેટીક થશે. વિદેશમાં જન્મેલ એનઆરઆઈ બાળકના આધારકાર્ડ માટે ત્યાંનું બર્થ સર્ટિફિકેટ, માતા- પિતાનું અપડેટેડ આધાર કાર્ડ, અને ભારતીય પાસપોર્ટ રજૂ કરવાના રહેશે.