પ્રથમ નોરતે મહુવા 3 ઈંચ, ખંભાળિયામાં 1 ઈંચ, ધોરાજી-જાફરાબાદમાં અર્ધો ઈંચ

અર્ધા ગુજરાતમાંથી, પોરબંદર- મહેસાણા સુધી ચોમાસાની વિદાય : બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય, બીજું તા. 25 આસપાસ સર્જાઈને ડીપ્રેસનમાં ફેરવાશે પરંતુ : ગુજરાતને નહીવત્ અસર
રાજકોટ, : આજે એક તરફ અર્ધા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી અને વિદાય લેતા લેતા સૌરાષ્ટ્રમાં આજે પ્રથમ નોરતે મહુવામાં ધોેધમાર 3 ઈંચ, ખંભાળિયામાં 1 ઈંચ, ધોરાજી અને જાફરાબાદમાં અર્ધો ઈંચ સહિત રાજ્યના 48 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના માણાવદર, લોધિકા, ખાંભા, બગસરા, ઉપલેટા, રાજુલા, વંથલી સહિત તાલુકામાં પણ આજે વરસાદ નોંધાયો છે.
તા. 16ના ભૂજ-ડીસા સુધી ચોમાસાની વિદાય બાદ આજે 6 દિવસે વિદાય આગળ વધી હતી અને પોરબંદર,જામનગર, મોરબી, મહેસાણા અને તેની ઉત્તરે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થયાનું જાહેર થયું છે અને બે દિવસમાં અન્ય વિસ્તારોમાંથી વિદાય લેશે.
દરમિયાન બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આજે ભારે વરસાદ લાવતું લો પ્રેસર સર્જાયેલું છે અને હજુ તા.૨૫ની આસપાસ વધુ એક લો પ્રેસર પૂર્વ-મધ્ય અને ઉત્તર ખાડી વિસ્તારમાં સર્જાવાની સાથે તે વાવાઝોડા જેવા ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા જાહેર થઈ છે. જેના પગલે દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી જારી થઈ છે પરંતુ, ગુજરાતમાં આવતીકાલથી વરસાદની કોઈ ચેતવણી નથી.
રાજ્યમાં હજુ નૈઋત્યના તથા આથમણા (દરિયાઈ) પવનો નીચલા લેવલે ફૂંકાય છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભેજ આવી રહ્યો છે. રાજકોટમાં ભેજનું પ્રમાણ સાંજે પણ ૬૯ ટકા જેવું ઉંચુ રહેતા સુકા પવનને બદલે બફારો અનુભવાય છે.









