Updated: Feb 3rd, 2023
પાટણ, 3 ફેબ્રુઆરી 2023 શુક્રવાર
પાટણના હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં એક યુવકે જૂની અદાવતમાં રિવોલ્વરથી ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કરતાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણેય લોકોને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જુની અદાવતમાં છથી વધુ રાઉન્ડ ફાયરિંગ
પ્રાપ્ત માહિતી પ્રમાણે હારીજ તાલુકાના દુનાવાડા ગામે અંગત અદાવતમાં ગામના ઈસમ દ્વારા રિવોલ્વર માંથી ધડાધડ છથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાતા ગામના સુથાર શિવાભાઈ હીરાભાઈ, પટ્ટણી સોનાજી તેમજ પટ્ટણી વિજય નામના ત્રણ ઈસમોને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગતાં ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી
હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરિંગની ઘટનાની જાણ થતાં હારીજ પોલીસ તેમજ પાટણ એલસીબી ટીમ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી ગઈ હતી. ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા 48 કલાકમાં ફાયરિંગની બે ઘટનાઓ
પાટણ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં ફાયરિંગની બે ઘટનાઓ બની છે. ગઈકાલે શંખેશ્વર તાલુકાના પાદલા ગામમાં ફાયરિંગનો બનાવ બન્યા બાદ આજે હારીજ તાલુકાના દુનાવાડામાં પણ ફાયરિંગની ઘટના બનતા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉભા થયા છે.