ધ્રાંગધ્રાના જીવા ગામે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથ વચ્ચે ધીંગાણુંમાં ફાયરિંગ
રોડ તારા બાપનો નથી, ઢોર સાઇડમાં લે
ધારીયા, ગુપ્તી, ફરસી સહિતના હથિયારો વડે ઈજાઓ પહોંચાડી , ૯ શખ્સો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે ઢોર સાઈડમાં રાખવા બાબતે બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બેથી સાત વ્યક્તિ પર ધારીયા, ગુપ્તી, ફરસી સહિતના હથિયારો વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાના ઈરાદે ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી રમેશભાઈ સનાભાઈ લાકડીયા ભરવાડ અને તેમનો પુત્ર મફાભાઈ જીવા બાવળી ગામની સીમમાં પોતાના પશુઓ ચરાવીને પરત આવી રહ્યાં હતા. તે દરમ્યાન ગામમાં જ રહેતા પ્રદિપસિંહ ઝાલા અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ સહિત ૯ જેટલા શખ્સોએ કારમાં આવી રમેશભાઈને પશુઓ રોડની સાઈડમાં રાખવાનું અને રોડ ફરિયાદીના બાપનો નથી તેમ જણાવી ફરિયાદીના પુત્ર મફાભાઈને ગાળો આપી હતી.
આથી રમેશભાઈએ પોતાના દિકરાને માર્કેટમાંથી બચાવી ઘરે લાવ્યા બાદ તમામ શખ્સો પાછળથી કાર લઈ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા. જ્યાં બંદૂક વડે ફાયરિગ કર્યું હતું અને રમેશભાઈના પરિવારજન ભીમાભાઈ હમીરભાઈ લાકડીયાને હાથના કાંડા પર તેમજ દિનેશભાઈ સનાભાઈ લાકડીયાને પગે અને રાજુભાઈ ધનાભાઈ લાકડયાને ડાબા હાથે તેમજ ગંગાબેન ગોબરભાઈને અને રૈયાભાઈ સનાભાઈ લાકડીયાને ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય શખ્સોને પણ તમામ શખ્સોએ એકસંપ થઈ ધારીયા, ગુપ્તી, ફરસી સહિતના હથિયારો વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી જેમાં ફરિયાદી સહિત પરિવારજનોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ફાયરીંગ સહિત મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી અંગે ૯ શખ્સો (૧) પ્રદિપસિંહ ચંદુભા ઝાલા (૨) દિગ્વિજયસિંહ ચીકુભાઈ ઝાલા (૩) વિશાલસિંહ પોપટસિંહ (૪) શિવરાજસિંહ ભીમભા (૫) યુવરાજસિંહ અનિરૃધ્ધસિંહ ઝાલા (૬) કિશનસિંહ પોપટસિંહ (૭) કાનભા મહેન્દ્રસિંહ (૮) મીતરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા (૯) રવિભાઈ હકાભાઈ કાચરોલા તમામ રહે.જીવા તા.ધ્રાંગધ્રાવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.