અંતે બિલ્ડરનું મોત... અમદાવાદમાં 9 દિવસ અગાઉ થયેલા ફાયરિંગમાં વાગી હતી ગોળી, કરોડોની લેવડદેવડ મામલે થઈ હતી બબાલ
Ahmedabad News : અમદાવાદના રાયખડ આઇપી મિશન હાઇસ્કૂલ પાસે ગત શુક્રવારે (11 જુલાઈ) રાતના ધંધાકીય અદાવતમાં એક ભાગીદારે આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કરતા બિલ્ડર અને અન્ય એક રાહદારીને ગોળી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત બિલ્ડરનું 9 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.
રાયખડ ફાયરિંગ બનાવમાં સારવાર દરમિયાન બિલ્ડરનું મોત
અમદાવાદના રાયખડમાં 8 કરોડ રૂપિયાની લેતીદેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર ઘટના મામલે કારંજ પોલીસને જાણવા મળ્યું હતું કે, આ બનાવમાં બિલ્ડરને ત્રણ અને રાહદારીને બે ગોળી લાગી હતી. ફાયરિંગ કર્યા બાદ આરોપી બિલ્ડરે પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી દીધી હતી. આરોપી અને ઇજા પામનાર વચ્ચે અગાઉ કન્સ્ટ્ર્ક્શનનો વ્યવસાય ચાલતો હતો. જેમાં 8 કરોડ જેટલી રકમનો હિસાબ બાકી હોવાના મામલે આરોપીએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 9 દિવસથી સારવાર હેઠળ રહેલા બિલ્ડરનું મોત નીપજ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાયખડ શીફા એપાર્ટમેન્ટમાં રહેતા નાસીરખાન પઠાણ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. થોડા વર્ષ અગાઉ તે ઝહુરૂદ્દીન નાગોરી નામના વ્યક્તિ બિલ્ડર સાથે ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા. જેમાં વર્ષ 2021 સુધીમાં તેમણે ચાર સ્કીમનું બાંધકામ કર્યું હતું. પરંતુ, ઝહુરૂદ્દીન નાગોરીએ 8 કરોડ જેટલી નફાની રકમ નાસીરખાનને આપી નહોતી. જેથી બંને વચ્ચે ધંધાકીય તકરાર બાદ ભાગીદારી છૂટી થઇ હતી.
ત્યારબાદ નાસીરખાન ઝહુરૂદ્દીન પાસેથી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ તે નાણાં આપતો નહોતો. જ્યારે ગત શુક્રવારે રાતના 11 વાગ્યે નાસીરખાન તેમના નિત્યક્રમ મુજબ રાયખડ આઇપી મિશન સ્કૂલ પાસે મિત્રોને મળવા માટે ગયા હતા. આ સમયે ઝહુરદ્દીન ત્યાંથી સ્કૂટર લઇને પસાર થતાં નાસીરખાને તેની પાસે નાણાંની માંગણી કરી હતી. પરંતુ, ઝહુરદ્દીને નાણાં આપવાની ના કહીને તેની પાસે રહેલી પિસ્તોલ કાઢીને નાસીરખાન તરફ તાંકીને આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે નાસભાગ થઇ ગઇ હતી.
જેમાં નાસીરખાનને ત્રણ ગોળી વાગી હતી અને આ સમયે પસાર થઇ રહેલા ઉજેફ કાગડી નામના રાહદારીને બે ગોળી વાગી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઝહુરૂદ્દીનને પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નાસી ગયો હતો અને આ સમયે કેટલાક લોકોએ પીછો કરતા તે નદીમાં પિસ્તોલ ફેંકીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે ડીસીપી ઝોન-2 ભરત રાઠોડે જણાવ્યું કે, આરોપી પાસે રહેલી પિસ્તોલ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું છે. હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.