ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં ફાયરમેન યુવકનું મોત
Gandhinagar Accident: ગાંધીનગરના સેક્ટર 12માં આવેલી સિવિલ હોસ્પિટલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 વર્ષીય કાર ચાલકે એક્ટિવા લઇને જઇ રહેલા ફાયરમેનને પાછળ ટક્કર મારતાં એક્ટિવા ચાલક નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ટોળાને જોઇને કાર ચાલક ગાડી મૂકીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફાયરમેન કરણસિંહ ડોળ ગ- ૩ રોડ તરફથી ઘ-૩ તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી ગાડી લઈને આવી રહેલા કિશન ચૌધરી નામના કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ફાયરમેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના સ્થળે પબ્લિક ભેગી થઈ જતાં કાર ચાલક આરોપી કિશન ચૌધરી ગાડીમાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ઘટના સ્થળે કાર્યવાહી કરવામાં આવતા પોલીસ દ્વારા અકસ્માતની કાર રિકવર કરી પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી હાલ પોલીસ સ્ટેશનમાં છે. મૃતક કરણસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપી કિશન ચૌધરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામનો વતની છે. જ્યારે મૃતક કારણસિંહ ડોળ ધોળકા તાલુકાના બદરખા ગામના હોવાનું જાણવા મળ્યું છે.