ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ

Banaskantha News: બનાસકાંઠાના ડીસા શહેરમાં ખંડણીખોર કથિત પત્રકારોના ત્રાસને કારણે એક ફટાકડાના વેપારીનું મોત નિપજતાં ખળભળાટ મચી ગયો છે. 17મી ઑક્ટોમ્બર 2025ના રોજ ફટાકડા વેપારી પાસે હપ્તા પેટે ખંડણી માંગવા આવેલા 6 કથિત પત્રકારો સાથે થયેલી રકઝક અને ઝઘડા બાદ વેપારી ઢળી પડ્યા હતા. હોસ્પિટલે પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. વેપારી એસોસિયેશને ઉગ્ર વિરોધ નોંધાવતા પોલીસે છ આરોપીઓ સામે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
ડીસાના ખાડિયા વિસ્તારમાં કનૈયા સિઝનેબલ સ્ટોર્સ ચલાવતા અને દિવાળી નિમિત્તે ફટાકડાનો ધંધો શરૂ કરનારા વેપારી મુકેશ ઠક્કરના ભાગીદાર મુકેશ ઠક્કરે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ, તંત્રની મંજૂરી મેળવી ધંધો શરૂ કરાયો હતો. 17મી ઑક્ટોમ્બરના રોજ
બપોરના સમયે દિલીપ ત્રિવેદી અને પારસ મહારાજ નામના કથિત પત્રકારો વેપારી પાસે આવ્યા હતા. તેમણે ભાગીદાર મુકેશ ઠક્કરને અપશબ્દો બોલી તકરાર કરી હતી અને ગયા વર્ષની જેમ આ વખતે પણ 'હપ્તા' પેટે 25,000 રૂપિયા આપવા પડશે, નહીં આપો તો પેપરમાં છાપી હેરાન કરવાની ધમકી આપી હતી. વેપારીએ તેમને 10,000 રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપીઓએ બાકીના પૈસા માટે દબાણ કર્યું હતું.
વેપારીએ ફટાકડા એસોસિયેશનની મીટિંગ બાદ પૈસા આપવાનું કહેતા રકઝક કરી આ લોકો ત્યાંથી જતાં રહ્યા હતા. એ જ રાત્રે, દિલીપ ત્રિવેદી અને પારસ મહારાજ ઉપરાંત તપન જયસ્વાલ, મેહુલ ખત્રી, રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત નામના અન્ય ચાર કથિત પત્રકારો દુકાને પહોંચ્યા હતા. તેમણે બાકીના 15,000 રૂપિયા હપ્તા તરીકે માંગી, 'જો પૈસા નહીં આપો તો ધંધો કરવા નહીં દઈએ' તેવી ધમકી આપી હતી અને હંગામો મચાવ્યો હતો. વેપારી અને સ્ટાફના માણસોએ સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ માન્યા નહોતા.
વેપારીનું મોત મામલો બિચકયો
આ હંગામા બાદ ફટાકડાના અન્ય વેપારીઓ એકઠા થયા હતા અને પોલીસ મથકે પહોંચ્યા હતા. જો કે, વિચાર-વિમર્શ બાદ વેપારીઓ પાછા ફર્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે મુકેશ ઠક્કરને એકાએક છાતીમાં દુ:ખાવો થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વેપારી એસોસિયેશનનો વિરોધ
વેપારીના મોતના સમાચાર ફેલાતાં ફટાકડા વેપારીઓ અને અન્ય એસોસિયેશનના સભ્યોમાં ખંડણીખોર કથિત પત્રકારો સામે ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓએ આખી રાત અને વહેલી સવાર સુધી પોલીસ મથકે ધસી જઈ માંગ કરી હતી કે જ્યાં સુધી છયેય કથિત પત્રકારો સામે ખંડણી સહિતનો ગુનો નોંધી ધરપકડ નહીં થાય, ત્યાં સુધી તેઓ લાશનો અગ્નિસંસ્કાર નહીં કરે.
પોલીસે ગુનો નોંધી 4ની ધરપકડ કરી
વેપારીઓના ઉગ્ર વિરોધ અને ચીમકીને પગલે ડીસા પોલીસે આ મામલે દિલીપ ત્રિવેદી, પારસ મહારાજ, તપન જયસ્વાલ, મેહુલ ખત્રી, રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત સહિત છ કથિત પત્રકારો સામે ખંડણી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી લેતા મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાએ પત્રકારત્વના નામે ખંડણી વસૂલતા કેટલાક તત્વોની ગેરપ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યાં છે.