Get The App

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ 1 - image

વડોદરાઃ સુરત બાદ હવે લખનઉના કોચિંગ ક્લાસમાં બનેલી દુર્ઘટનાને પગલે ફરી એક વાર વડોદરાના ટયુશન ક્લાસીસ સામે ફાયર સેફ્ટીની તપાસ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.જેને પગલે ટયુશન ક્લાસના સંચાલકો પણ દોડતા થયા છે.

સુરતના તક્ષશિલા કોચિંગ ક્લાસમાં મે-૨૦૧૯માં આગની દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના મોત નીપજતાં હાહાકાર મચી ગયો હતો.ઉપરોક્ત ઘટના બાદ વડોદરામાં પણ ફાયર બ્રિગેડ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને દરેક ફાયર સ્ટેશન વિસ્તારમાં ટયુશન ક્લાસીસને શોધી એનઓસી તપાસવામાં આવી હતી.ત્યારબાદ ટયુશન ક્લાસના સંચાલકો પણ સહકાર આપીને સામે ચાલીને એનઓસી મેળવવા લાઇનમાં લાગ્યા હતા. સાત વર્ષ પહેલાં વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા  કુલ ૧૨૫૦ થી વધુ ટયુશન ક્લાસીસ સામે ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી.

સુરતની ઘટના બાદ ગઇકાલે લખનઉના અલીગંજમાં ત્રણ માળના બિલ્ડિંગમાં આવેલા કોચિંગ ક્લાસમાં આગ લાગવાની ઘટના બનતાં ૧૫ વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં છે.જ્યારે ચારની હાલત ગંભીર છે.આ ઘટનાને પગલે દેશભરમાં ઊહાપોહ સર્જાયો છે અને તપાસના આદેશો આપી પગલાં લેવામાં આવી રહ્યા છે.લખનઉના બનાવમાં ફાયર એનઓસી જ નહિ લેવાઇ હોવાની ગંભીર બેદરકારી બહાર આવી છે.

બનાવને પગલે ફરી એક વાર વડોદરાના  ટયુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવશે.ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટિ ચીફ ફાયર ઓફિસરના નેજા હેઠળ ટયુશન ક્લાસોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે અને એનઓસી વગરના ક્લાસીસ સામે સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે.

આગના બનાવો રોકવા વાયરિંગની લોડ કેપિસિટી ચેક કરાવવી ખૂબ જરૃરી

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ 2 - imageવડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર હરેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે, લખનઉના કોચિંગ ક્લાસમાં  બનેલી આગની દુર્ઘટનામાં શોર્ટસર્કિટ કારણભૂત હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે.મોટાભાગના આગના  બનાવોમાં વાયરિંગ પર વધુ લોડ આવવાને કારણે શોટસર્કિટ થતું હોવાનું જણાઇ આવ્યું છે.જેથી સ્કૂલ,ક્લાસીસ, હોટલો,હોસ્પિટલો,મોલ જેવા સ્થળોએ અવારનવાર માન્ય ઇલેકટ્રિશિયન મારફતે વાયરિંગની લોડ કેપિસિટી ચેક કરાવવામાં આવે તો આવી ઘટનાઓ અંકુશમાં આવી શકે તેમ છે.

વડોદરાના ટયુશન ક્લાસોને ક્યા ક્યા કારણોસર નોટિસો અપાઇ હતી

સુરતમાં ટયુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરના ૧૨૫૦થી વધુ ક્લાસીસની ફાયર સેફ્ટી ચેક કરી ૧૫૦થી વધુ ક્લાસીસને નોટિસ આપવામાં આવી હતી.જેના મુખ્ય કારણ આ મુજબ હતા.

(૧) એક જ એન્ટ્રી-એક્ઝિટઃ કેટલાક ટયુશન ક્લાસમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ હોવાથી બંને અલગ રાખવા નોટિસ અપાઇ હતી.

(૨) એનઓસીઃ કેટલાક ટયુશન ક્લાસના સંચાલકો પાસે ફાયરની એનઓસી જ નહતી.જેથી તેમને નોટિસ આપીને એનઓસી લેવડાવવામાં આવી હતી.

(૩) રહેણાંક મકાનોનો ઉપયોગઃ કેટલાક ટયુશન ક્લાસીસ રહેણાંક મકાનોમાં ચાલતા હતા.જેથી કોમર્શિયલ ઉપયોગ માટે કોર્પોરેશનની પરવાનગી નહિ લીધી હોવાથી નોટિસ આપી કોર્પોરેશનને પણ જાણ કરાઇ હતી.

(૪) દેખાવ પુરતા ફાયરના સાધનોઃ કેટલાક ક્લાસીસમાં ફાયરના સાધનો હતા. પરંતુ માત્ર દેખાવ પુરતા જ હોય તેમ જણાઇ આવ્યું હતું.જેથી નવા સાધનો નાંખવા નોટિસ અપાઇ હતી.