VIDEO: રાજકોટના જૂના એરપોર્ટના પરિસરમાં ભીષણ આગ, અમદાવાદમાં ભદ્ર પ્લાઝા નજીક તણખલા પડતા નાસભાગ

Diwali 2025: દિવાળીના તહેવારને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના અનેક શહેરો અને વિસ્તારોમાં અલગ અલગ કારણોસર આગ લાગવાની ઘટના બની છે. વધુ પડતા આગ લાગવાના બનાવો ફટાડકાના કારણે બન્યા હોવાનું તારણ છે. જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમો પહોંચી જતાં અને યોગ્ય કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જણાવી દઈએ કે, આજે આગ અને અકસ્માતની ઘટનાઓના કેસમાં વધારો જોવા મળ્યો છે.
રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી
રાજકોટના જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટના જૂના એરપોર્ટ પરિસરમાં ઉગેલા ઘાસમાં ભીષણ આગ લાગી હતી. રનવે પાસે લાગેલી આગને કાબૂમાં લેવાઈ છે.
અમદાવાદમાં કેટલીક જગ્યાએ આગ લાગવાના બનાવ
અમદાવાદના ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. ઝુંડાલમાં ખુલ્લા પ્લોટમાં ફટાકડાના તણખલા પડવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ સિવાય અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લેટમાં 5માં માળે ગેલેરીમાં આગ લાગી હતી.
અમદાવાદના રાયખડમાં મોટી દુર્ઘટના ટળી
અમદાવાદના રાયખડમાં મોટી દુર્ઘટના ટળી હતી. આઈપી મિશન શાળા પાસે ભદ્ર પ્લાઝા તરફ જતાં રોડ પર સળગતા તણખલા પડતા નાસભાગ મચી હતી. ફટાકડાના વેપારીઓ અને ભિક્ષુકોમાં નાસભાગ મચી હતી. અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ફાયર વિભાગ દ્વારા આ અંગે હજુ કોઈ માહિતી અપાઈ નથી.
બાવળાના આર.કે. સર્કલ પાસે લાગી આગ
અમદાવાદના બાવળાના આર.કે. સર્કલ પાસે આગ લાગી હતી. જેમાં લારી-ગલ્લાઓમાં અચાનક આગ લાગી હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

જેપુર ગામે ફ્રીઝમાં વિસ્ફોટ થતા બેને ઈજા
મહેસાણાના જેપુર ગામે ફ્રીઝમાં વિસ્ફોટ થતા પિતા-પુત્રને ગંભીર ઈજા થઈ છે. સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવા લેવાયો હતો. રસોડામાં ગેસ ચાલુ કરતા રસોડામાં બ્લાસ્ટ થયો. જે ઘટનામાં પિતા-પુત્રને ગંભીર ઈજા થઈ છે, જ્યારે પત્નીને સામાન્ય ઈજા પહોંચી છે. પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.
ભરૂચમાં મસ્જિદના ધાબા પર મુકેલા સામાનમાં લાગી આગ
ભરુચમાં ચાર રસ્તા પરની મસ્જિદમાં આગ લગાવની ઘટના બની હતી. મસ્જિદના ધાબા પર મુકેલા સામાનમાં આગ લાગી હતી. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
જામનગર શહેરમાં ફટાકડાના કારણે લાગી આગ
જામનગર શહેરમાં ફટાકડાના કારણે આગ લાગી હતી. પવનચક્કી વિસ્તામાં બંધ પડેલા મકાનમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સિવાય જામ ખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પર રાત્રીના સમયે આગ ભભુકી ઉઠી હતી.
ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ફટાકડા બજારમાં લાગી આગ
ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં ફટાકડા બજારમાં આગ લાગી હતી. 70 દુકાનોમાં 3 કરોડ રૂપિયાના ફટાકડા બળીને ખાખ થઈ. બે કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો અને દૂરદૂર સુધી ધુમાડાના વાદળ જોવા મળ્યા હતા. 50થી વધુ વાહનો નાશ પામ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા.