Gujarat

સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી

By GS TEAM
12 Dec 20254 mins read
TukuTouch Logo
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં બુધવારે (10 ડિસેમ્બર) ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે અને રાજ ટેક્સ્ટાઈલ માર્કેટ સંચાલકોને નોટિસ ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી

Surat Fire Incident : સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઈલ માર્કેટમાં બુધવારે (10 ડિસેમ્બર) ભીષણ આગ ફાટી નીકળી હતી. માર્કેટના ત્રીજા, પાંચમા અને નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 22 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે અને રાજ ટેક્સ્ટાઈલ માર્કેટ સંચાલકોને નોટિસ ફટકારી છે.  

રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ!

લિંબાયત ઝોનના ઝોનલ ચીફ અને ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે, રાજ ટેક્સટાઈલ માર્કેટને બીયુ પરમિશન બાદ કરાયેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અગાઉ ત્રણથી ચાર વખત નોટિસ આપી હતી, છેલ્લી નોટિસ ગત નવેમ્બર મહિનામાં પણ આપી હતી. જેનું પાલન ન કરાતા આખરે આ ભયાનક દૂર્ઘટના ઘટી હતી.


આગ જેવી દુર્ઘટનામાં મિલકતદારોની જવાબદારી માટે પાલિકાએ  SOP જાહેર કરી હતી. સુરતમાં 50 થી વધુ વ્યક્તિ ભેગા થાય તેમાં ફાયર સેફ્ટી માટે SOP બનાવી હતી, પરંતુ અમલ થયો નથી. રાજ ટેક્સટાઇલ માર્કેટ સહિત અનેક માર્કેટોએ આ SOP માં એફિડેવિટ આપી નથી. તો પાલિકાની SOPનો અમલ કરાવવામાં પાલિકાના અધિકારીઓએ પણ ઉણા ઉતર્યા હોવાની માહિતી મળી છે.

100થી વધુ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ

સુરતમાં તક્ષશિલા ક્લાસિસ દુર્ઘટના અને ત્યારબાદ શિવ શક્તિ માર્કેટ, ઋતુરાજ માર્કેટ સહિત અનેક માર્કેટમાં આગની દુર્ઘટનામાં બીયુ પરમિશન બાદ ગેરકાયદે બાંધકામ થતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં ગેરકાયદે બાંધકામના કારણે ફાયર વિભાગને આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી. ઋતુરાજ માર્કેટમાં આગ બાદ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ હોવાનું બહાર આવ્યું છે. તેને પાલિકાએ નોટિસ આપી હતી, પણ કોઈ પગલા ભર્યા ન હતા. 

આ પણ વાંચો: સુરતની રાજ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રીજા, પાંચમાં અને નવમા માળે ફરી ભીષણ આગ ભડકી

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આવા પ્રકારની દુર્ઘટના ન બને તેના માટે જવાબદારી નક્કી કરવા માટે SOP બનાવી હતી. પાલિકાએ 9 જુલાઈ 2025 ના રોજ SOP જાહેર કરી હતી પરંતુ આગ લાગી છે તેવી રાજ ટેક્સટાઇલ માર્કેટ સહિત સંખ્યાબંધ માર્કેટ દ્વારા આ SOP હેઠળ બીયુ પરમિશન બાદ ફેરફાર નથી કર્યા, ફાયર સેફ્ટી છે  તે માટે એફિડેવિટ કરી ન હતી. આ એફિડેવિટ કરી હોય તો બીયુ પરમિશન બાદ ગેરકાયદે બાંધકામ બદલ મિલકતદારની જવાબદારી નક્કી કરી શકાય છે, પરંતુ પાલિકામાં ચાલતા ભ્રષ્ટ તંત્રના કારણે આ SOPનો અમલ થઈ શક્યો નથી. 


સુરતની તક્ષશિલા દુર્ઘટના અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે 50 થી વધુ લોકો ભેગા થતા હોય તેવી સંસ્થાઓમાં ખાસ તકેદારી રાખવા માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાને તાકીદ કરી હતી. સુરત પાલિકાએ લાંબી કવાયત અને ભૂતકાળના અનુભવોને ધ્યાને રાખીને આવા સ્થળોએ દુર્ઘટના માટે SOP તૈયાર કરી હતી. પાલિકાએ 9 જુલાઈ 2025 ના રોજ આ SOP અંગે જાહેર માહિતી પણ આપી હતી અને તેનો અમલ પણ શરૂ કરાયો હતો.  જોકે, આ  SOPનો અમલ હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ શરૂ થતા હોબાળો થયો હતો. ત્યારબાદ પાલિકાએ મોટા ઉપાડે જાહેર કરેલી  SOP પર નક્કર પગલાં ભરાયા ન હતા. 

SOPનો કડકાઈથી અમલ ન થતાં રાજ ટેક્સટાઇલ માર્કેટ સહિતના માર્કેટે ફાયદો ઉઠાવ્યો

આ  SOPમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે, મિલકતદારોએ પોતાની મિલકત કાયદેસરની છે, પ્લાન મંજૂર છે, બીયુ લીધુ છે અને બીયુ મુજબ જ બાંધકામ થયું છે’ તે અંગેની એફિડેવિટ જે-તે ઝોનમાં આપવાનું રહે છે. મિલકતદારોએ આપેલી આ બાંહેધરીનું સમયાંતરે ક્રોસ વેરિફિકેશન પણ કરવા જાહેરાત થઈ હતી. પરંતુ ત્યારબાદ આ SOPનો કડકાઈથી અમલ કર્યો ન હતો. જેનો લાભ લઈ રાજ ટેક્સટાઇલ માર્કેટ સહિતના અનેક માર્કેટના સંચાલકો અને અન્ય સંસ્થાઓએ સીધો ફાયદો ઉઠાવ્યો છે અને પાલિકામાં કોઈ પ્રકારની એફિડેવિટ કરાવ્યું ન હતું. 


પાલિકાની આ SOP માટે સત્તાવાર કામગીરી  શરુ કરવામાં આવી હતી. આ SOPના આધારે જે એફિડેવિટ કરવામાં આવશે તેના કારણે કોઈ મિલકતમાં દુર્ઘટના થાય તો મિલકતદારોની પણ જવાબદારી નક્કી થઈ શકશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. જો આ એફિડેવિટ પાલિકાએ લીધા હોત તો માર્કેટ સંચાલકોની જવાબદારી નક્કી થઈ શકી હોત. 

એફિડેવિટમાં વિરોધાભાષ હોય તો મિલકત સીલ કે ડિમોલિશન પણ થઈ શકે

સુરત પાલિકાએ SOP જાહેર કરી હતી અમલ પણ શરૂ થઈ ગયો છે.  પાલિકાએ જે નવ કેટેગરી જાહેર કરી છે તેમાં મિલકતદારોએ એફિડેવિટ કરવાની રહેશે. મિલકતદારોએ જે એફિડેવિટ કરી હોય અને સ્થળ પર ક્રોસ વેરિફિકેશન દરમિયાન વિરોધાભાષ જણાય તો પાલિકા તંત્ર આવી મિલકત સીલ કરવાની કામગીરી કરશે અને જરૂર જણાય તો પાલિકા મિલકતનું ડિમોલિશન પણ કરી શકશે. 


આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, ફસાયેલા 50થી વધુ લોકોનો બચાવ કરાયો

પાલિકાએ ડાયમંડ યુનિટ અને ટેક્સટાઇલ માર્કેટને પણ SOPમાં સાંકળી લીધા

ગુજરાતની અન્ય પાલિકા કરતા સુરત પાલિકા વિસ્તારમાં ડાયમંડ યુનિટ અને ટેક્સટાઇલ માર્કેટનો પણ સમાવેશ થાય છે.  સુરત પાલિકાએ જે SOP જાહેર કરી હતી તેમાં ડાયમંડ યુનિટ અને ટેક્સટાઇલ માર્કેટને પણ સમાવી લીધા હતા અને આ બંને શોપિંગ મોલની કેટેગરીમાં છે. છાસવારે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બને છે અને ભારે નુકસાન થાય છે, તેથી આ બંને ઉદ્યોગને SOPમાં સમાવી લેવાતા હવે તે માટે પણ જવાબદારી નક્કી કરવામાં સરળતા બનશે. આ નિયમ હોવા છતાં હજી પણ રાજ ટેક્સટાઇલ માર્કેટ સહિત અન્ય માર્કેટ પાસે પાલિકા એફિડેવિટ લેવાની કામગીરીમાં નિષ્ફળ ગઈ છે.