વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી
Scrap Godowns Fire In Vapi: વાપી મનપા હદ વિસ્તારના કરવડ આદર્શનગરમાં સોમવારે (11મી ઓગસ્ટ) મોડી રાતે એક ગોડાઉનમાં આગ લાગ્યા બાદ એક પછી એક 11 ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા. એકસાથે 12 ગોડાઉન સળગી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, કોઇ જાનહાની થઈ ન હતી. મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉન દૂર કરવા અભિયાન ચાલું કરાયા બાદ આ વિસ્તારના ગોડાઉન દૂર કરાયા ન હતા.
ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
મળતી માહિતી અનુસાર, વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારના કરવડ આદર્શનનગરમાં સોમવારે મોડી રાતે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે આજુબાજુના અન્ય 11 ગોડાઉનોને લપેટમાં લેતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ જતા અફરાતફરી મચી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.
શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ઘટનાની જાણ થતાં વાપી મનપા, જીઆઇડીસી, નોટિફાઇડ, સરીગામ સહિતના વિસ્તારનાં 8થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફિયર વિભાગે હાથ ધરેલી કવાયતમાં લગભગ છ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શોર્ટસર્કિટને કારણે આગ લાગી છે. આગના કારણે ગોડાઉનોમાં પ્લાસ્ટિક, કેમિકલ સહિતના વેસ્ટને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરતા 12 ગોડાઉન સ્વાહા થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ મોટે ઉપાડે મનપા હદ વિસ્તારમાં રહેણાંક સહિતના વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ પાઠવી અનેક ગોડાઉન દૂર કર્યા હતા. બાદમાં અભિયાન અટકી ગયું હતું. કરવડ વિસ્તારમાં આવેલા ગોડાઉન દૂર કરાયા ન હતા. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે. સમાંયતરે ભંગારના ગોડાઉનોમાં આગના બનતા બનાવો લોકોના જીવ સામે જોખમ અને પર્યાવરણ સામે જોખમ ઊભુ કરી રહ્યું છે.