Get The App

આણંદમાં સેફ્ટીના બહાને દંડ વસૂલતી મનપા કચેરીમાં જ ફાયરની અપૂરતી સુવિધા

Updated: May 3rd, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં સેફ્ટીના બહાને દંડ વસૂલતી મનપા કચેરીમાં જ ફાયરની અપૂરતી સુવિધા 1 - image


- 45 લાખના ખર્ચે આણંદની આસ્થા કન્સ્ટ્રક્શનને પાણીના ટાંકાનું કામ સોંપાયું

- 14 ફાયર બોક્સમાં પાઈપો જ લગાવી નથી : 40 હજાર લિટર પાણીના સંગ્રહ ક્ષમતાવાળા ટાંકાનું કામ હવે શરૂ કરાયું : આગ લાગે તો લોકોને જોખમ સાથે ફાયરબ્રિગેડ બોલાવવું પડે તેવી સ્થિતિ

આણંદ : આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડિંગ્સ, હોસ્પિટલો તથા દુકાનોમાં ફાયર સેફ્ટીના બહાને સીલ મારી દંડ વસૂલ કરતી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ ફાયર સેફ્ટીની સુવિધા હજૂ અધૂરી છે. મનપા કચેરીમાં માત્ર લોખંડની પાઈપો લગાવાઈ છે. ત્યારે હાલ ૪૫ લાખના ખર્ચે આણંદની આસ્થા કન્સ્ટ્રક્શનને સોંપાયેલા ૪૦ હજાર લિટર પાણીના સંગ્રહની ક્ષમતાવાળા ટાંકાનંસ કામ હજૂ શરૂ કરાયું છે. 

આણંદ મહાનગરપાલિકા ભવનમાં આગ લાગે તો ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરથી આગ બુજાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાલિકા ભવનમાં મૂકવામાં આવેલી ફાયર માટેની લોખંડની પાણીની પાઈપોનું જોડાણ હજૂ કોઈ પણ જગ્યાએ આપવામાં આવ્યું નથી. ૧૪ જેટલા ફાયર બોક્સમાં પાણીની ફોર્સ પાઈપો પણ મૂકવામાં આવી નથી. ફાયર બોક્સ હાલ ખાલી છે. આગ ઓલવવા માટે જરૂરી પાણીની ટાંકી મનપામાં ન હોવાથી બંબાની મદદ લેવી પડે તેમ છે. મનપા દ્વારા પાણીના સ્ટોરેજ માટે મોટી ટાંકી બનાવવાનું કામ મંદગતિએ ચાલી રહ્યું છે. 

આણંદમાં નગરજનોએ જણાવ્યું હતું કે, શહેરમાં ફાયરસેફ્ટીના અભાવે બિલ્ડિંગો સીલ કરીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકો પાસે ફાયર સેફ્ટીનો આગ્રહ રાખતી મનપાએ પણ પોતાની મિલકતોમાં ફાયરની સુવિધા ઉભી કરવી જરૂરી છે. મનપાની આણંદમાં ૨૭ મિલકતો આવેલી છે. જેમાંથી બે બહુમાળી મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે. પરંતુ તે સિવાયની ૨૫ જેટલી મિલકતોમાં અંદાજિત ૫૦૦થી વધુ દુકાનો છે જેમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરાઈ નથી. જેથી ભવિષ્યમાં આગની હોનારત સર્જાય તો ભારે નુકસાનની સંભાવના રહેલી છે. 

મહાનગરપાલિકાના ભાડા વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ, મહાનગરપાલિકાની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ માટે અંદાજિત પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂર પડે તેમ છે. તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, ૫ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીની સુવિધાઓ પૂરી પાડવા માટે ૩.૩૩ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. જેમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું કામ તેમજ હાયડ્રેન સિસ્ટમ કરવાની અને પાણીની ટાંકીની પાઇપો નાખવાના કામ સામેલ કરવામાં આવેલા છે. ફાયર ઓફિસર દ્વારા જાણવા પણ મળ્યું હતું કે હાલ પાંચ કોમ્યુનિટી હોલ તેમજ મહાપાલિકા ભવનમાં આગ લાગે તો માત્ર ફાયર બ્રિગેડના બમ્બા ઉપર આધાર રાખવો પડે તેમ છે. 

આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે, હાલ મહાનગરપાલિકાની ઓફિસમાં અંદાજિત ૪૦,૦૦૦થી વધુ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આસ્થા કન્સ્ટ્રક્શન આણંદને અંદાજિત ૪૫ લાખ રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. કામ પૂરું થયા બાદ તમામ પાઇપલાઇનનું પાણીના ટોકામાં જોડાણ કરી દેવામાં આવશે.

ફાયર વિભાગમાં હાલ 9 કર્મચારીઓ જ કાયમી 

આણંદ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં હાલ જૂનું મહેકમ મંજૂર થયું નથી. જેથી ફાયર વિભાગમાં હાલ માત્ર ૯ કર્મચારીઓ કાયમી રાખવામાં આવેલા છે. ૨૪ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાકથી કામ કરી રહ્યા છે. જ્યારે મનપા પાસે હાલ ચાર જેટલા મોટા આગ બૂજાવવાના બમ્બા તેમજ બે જેટલી નાની ગાડીઓ આગ ઓલવવા માટે છે. આગામી દિવસમાં ફોર્મ ટેન્કર તથા કેમિકલ ટેન્કર તેમજ બ્રાઉઝર ફાયર ફાઈટર મીની ફાઈટર વગેરે માટેની જરૂરિયાત માટે ખરીદવાની કામગીરી શરૂ કરવામાં આવનારી છે.

5 કોમ્યુનિટી હોલમાં ફાયર સુવિધાના અભાવે જીવનું જોખમ

આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા પાંચ જેટલા કોમ્યુનિટી હોલમાં પણ માત્ર પાઇપો લગાડવામાં આવી છે. તેમાં પણ ફાયર સુવિધાઓ માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી નથી. હાલ માત્ર ફાયરની બોટલો જ મૂકવામાં આવેલી છે. પાંચ જેટલા કોમ્યુનિટી હોલમાં વિવિધ કાર્યક્રમો વારંવાર યોજાતા હોય છે પરંતુ તેમાં પણ ફા યર સુવિધાઓ ન હોવાથી અકસ્માત સમયે જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 

Tags :